Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી
સમાજવાદી પાર્ટીના સમર્થનથી કપિલ સિબ્બલે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
![Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી Why Samajwadi Party Field Kapil Sibal As Rajya Sabha Candidate And What Is RJD And JMM Stand Inside Story Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/25/b54a90836f15f016acadd2095b1547e1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kapl Sibal Rajya Sabha Nomination: કપિલ સિબ્બલે આજે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. આજે સમાજવાદી પાર્ટીના સમર્થનથી કપિલ સિબ્બલે અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ સિબ્બલે કહ્યું કે, તેમણે ગત 16 મેના દિવસે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને પ્રમુખ મહાસચિવ રામગોપાલ યાદવ સહિતના નેતાઓ કપિલ સિબ્બલ સાથે હાજર રહ્યા હતા. કપિલ સિબ્બલે કોંગ્રેસ નેતૃત્વ સામે મોર્ચો ખોલ્યા બાદ સમાજવાદી પાર્ટી તેમને રાજ્યસભા મોકલવા માટે તૈયાર હતી. એટલું જ નહીં લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દલ અને ઝારખંડ મુક્તિ મોર્ચા પણ સમર્થન આપીને સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતી.
કોંગ્રેસ હાઈકમાન્ડને પડકારઃ
ઉલ્લેખનીય છે કે, એક પછી એક ઘણા રાજ્યોમાં સતત કોંગ્રેસની હાર થઈ હતી ત્યાર બાદ કપિલ સિબ્બલે ગાંધી પરિવારના નેતૃત્વ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ જ કારણ છે કે આ વખતે કપિલ સિબ્બલને કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં મોકલાય તેની શક્યતા ઘણી ઓછી હતી. જેને લઈ સિબ્બલ સમાજવાદી પાર્ટી, આરજેડી અને JMM (ઝારખંડ મુક્તિ મોર્ચા)ના સંપર્કમાં હતા. આવો તમને જણાવીએ કે, સમાજવાદી પાર્ટી કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે કેમ તૈયાર થઈ. ઉલ્લેખનીય છે કે, હાલ સિબ્બલ ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ છે.
સિબ્બલને કેમ મળ્યો સપાનો સાથ?
સિબ્બલે થોડા દિવસ પહેલાં જ સપા નેતા આઝમ ખાનનો કેસ કોર્ટમાં લડ્યો હતો અને આખરે આઝમ ખાનને જામીન પર છોડવામાં આવ્યા હતા. નારાજ થયેલા આઝમ ખાનને સિબ્બલ દ્વારા મોટી રાહત મળી હતી અને તેનાથી આઝમ ખાને પણ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું.
એટલું જ નહીં, ચૂંટણી આયોગમાં પણ કપિલ સિબ્બલે સમાજવાદી પાર્ટીના ચિહ્નના કેસમાં અખિલેશ યાદવના પક્ષમાં દલિલો કરી હતી અને કેસ જીત્યો હતો. વર્ષ 2014 અને પછી 2016માં પણ મુલાયમ સિંહ યાદવ તરફથી કપિલ સિબ્બલને રાજ્યસભા મોકલવાના પ્રસ્તાવની વાત સામે આવી હતી. સિબ્બલ કેટલાક બીજા કેસો પણ મુલાયમ સિંહ યાદવ માટે કેસ લડી ચુક્યા છે.
RJD અને JMM પણ તૈયાર હતુંઃ
બીજી તરફ લાલુ પ્રસાદ યાદવનો ચારા ઘોટાળાનો કેસ લડી રહેલા કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે રાષ્ટ્રીય જનતા દલ પણ તૈયાર હતું. આ સાથે અન્ય કેસોમાં પણ કપિલ સિબ્બલ વકિલાત કરે તે માટે RJD રાજ્યસભા સીટ આપવા તૈયાર હતી. ઝારખંડ મુક્તિ મોર્ચા પણ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર હતી કારણ કે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન ઉપર પણ ખનીજ ખાણની માઈન્સના લીઝ લેવાનો આરોપ છે જેનો કેસ કોર્ટમાં છે અને આ કેસ સિબ્બલ લડી રહ્યા છે. તેથી કપિલ સિબ્બલને પોતાની તરફ કરવા માટે JMM રાજ્યસભાની ટિકીટ આપવા તૈયાર હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)