Rajkot: મવડીના કારખાનામાંથી 8 લાખ રોકડ અને 12 હજાર નંગ હીરાની ચોરી, પોલીસે શરુ કરી તપાસ
રાજકોટ શહેરમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ ત્રસ્કરો બેફામ બન્યા છે. શહેરના મવડી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો એક હીરાના કારખાનામાં ત્રાટક્યા હતા.
રાજકોટ: રાજકોટ શહેરમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ ત્રસ્કરો બેફામ બન્યા છે. શહેરના મવડી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો એક હીરાના કારખાનામાં ત્રાટક્યા હતા. જ્યાંથી 8 લાખ રોકડ અને 12 હજારથી વધુ હીરાની ચોરી કરવામાં આવી છે.
રાજકોટના મવડી વિસ્તારમાં મોડી રાત્રે હીરાના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા. મવડીનાં બાપા સીતારામ ચોક નજીક સિ. વી.ઇમ્પેક્સ નામના કારખાનામાં મોડી રાત્રે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનાની તિજોરી તોડીને 8 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી. આ સાથે જ કારખાનામાં રહેલા મોટી સંખ્યામાં હીરાની ચોરી પણ કરી હતી. આ તસ્કરોએ હીરાના આ કારખાનામાં રોકડ તેમજ હીરા સહિત લાખો રૂપિયાની કિંમતના મુદ્દામાલની ઉઠાંતરી કરી છે. સમગ્ર ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચના અદિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
દિવાળી પર હીરાના કારખાનામાં કામ કરતા કારીગરોનો પગાર કરવાનો હોવાથી રાત્રે કુરિયર મારફતે નાણા મંગાવવામાં આવ્યા હતા અને આ નાણાં કારખાનામાં રાખવામાં આવ્યા હતા. જોકે આ નાણાં કારખાનામાં રાખ્યાના ગણતરીની કલાકોમાં જ તેની ચોરી થઈ ગઈ હતી ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ જાણ ભેદુ હોય તેવુ પોલીસનુ માનવુ છે.
આ ચોરી અંગે સિ. વી. ઇમ્પેક્સ ફેક્ટરીના માલિક મુકેશ દુધાત્રાએ દાવો કર્યો છે કે, આ લૂંટમાં તેમની ફેક્ટરીમાંથી આઠ લાખ રોકડા સહિત 12 હજાર નંગ હીરાની ચોરી થઇ છે. નવ વર્ષથી કારખાનુ ચલાવતા માધાપર ચોકડીએ રહેતાં મુકેશભાઇ દુધાત્રા સવારે સાડા પાંચે કારખાને પહોંચ્યા ત્યારે શટરનું તાલુ તૂટેલુ હતું. તિજોરી ગ્રાઇન્ડરથી કાપીને ચોરી કરવામાં આવી હતી. હીરા સુરતથી પોલીશ માટે આવ્યા હતા. 22 ઘંટીઓ ઉપર રત્નકલાકારો કામ કરે છે. હાલ કોઇ ઉપર શંકા નથી.
સમગ્ર ઘટનાની જાણ થતા જ માલવિયાનગર પોલીસ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે જે કારખાનામાં આ ચોરી થઈ છે ત્યાં કોઈ સીસીટીવી ફૂટેજ ન હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા કારખાનામાં કામ કરી રહેલા કર્મચારીઓ તેમજ તેમના માલિક સહિતના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા હતા.