Gujarat Rain: રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ ખાબકતા શહેર બેટમાં ફેરવાયું
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે.
ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી પંથકમા 9 ઇંચ વરસાદ પડતાની સાથે જ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી.
ધોરાજીના બહારપુરા નજીક કાર પાણીમાં ગરકાવ થઈ છે. ધોરાજીના કુંભારવાડા વિસ્તાર, રામપરા વિસ્તાર, બહારપુરા બેટમા ફેરવાયા છે. શહેરના સ્ટેશન રોડ પર પણ ગોઠણસમા પાણી છે.
ધોરાજી શહેરની બજારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
અંબાલાલ પટેલે કરી નવી આગાહી
આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે
19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે. સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે. સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.