Rajkot: ગોંડલમાં ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં શખ્સે ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતા ખળભળાટ
ગોંડલમાં એક શખ્સે મંદિરમાં જઈને પોતાના ગળા પર છરી ચલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મીડિયાના અહેવાલ અનુસાર, ગોંડલમાં એક શખ્સે મંદિરમાં જઈને પોતાના ગળા પર છરી ચલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તો આ બનાવને લઈ સમગ્ર રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હાલ તો આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે શું ખરેખર કમળપૂજા માટે ગળામાં છરી ફેરવી હતી કે અન્ય કોઈ કારણ છે.
મીડિયા અહેવાલ અનુસાર, ગોંડલમાં જેતપુર રોડ પર આસોપાલવ સોસાયટી શેરી નંબર 1 માં રહેતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.47) નામના વ્યક્તિએ સવારે 11 વાગ્યે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા શ્રી ચંદ્ર મૌલેશ્વર મંદિરે હતાં ત્યારે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ શિવ ભક્ત છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઇમાં તેઓ મોટા છે. પોતે મુંબઇ ખાતે કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. તેઓ બે મહિનાથી રજા પર આવ્યા છે. પોતે આવુ શા માટે કર્યુ તે અંગે તેઓ કશું બોલી શકતા નથી. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ ગોંડલ સહિત રાજકોટ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
ગોંડલના ધર્મેન્દ્રસિંહ ઝાલા શિવભક્ત હોવાનું સામે આવ્યું છે અને તેમણે પોતે જ પાતોની હાથે ગળામાં છરી ફેરવી દીધી હોવાની માહિતી મળી રહી છે. હાલ આત્મહત્યાનો પ્રયાસ કરવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વીંછિયામાં અંધશ્રદ્ધાના એક કિસ્સાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો હતો
રાજકોટના વીંછિયામાં અંધશ્રદ્ધાના એક કિસ્સાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. એક દંપતીએ પોતાના ખેતરમાં પોતાની જાતે જ પોતાના માથા ધડથી અલગ કરી હવન કુંડમાં હોમી દીધાં. તાંત્રિકવિધિ બાદ દંપતીએ ઈષ્ટદેવને ખુશ કરવા માટે દંપતીએ જાતે જ પોતાનું માથું કાપી નાખ્યું. આ તાંત્રિકવિધિનું નામ કમળપુજા કહેવામા આવે છે.
ચોંકાવનારી વાત એ છે કે બંનેનું માથું એક સાથે કપાઈને હવન કુંડમાં પડે એ માટે પતિ-પત્નીએ જાતે જ એક સ્ટેન્ડ તૈયાર કર્યું હતું. જેમાં દોરીથી લોખંડના વજનદાર માંચડાની નીચે ધારદાર હથિયાર ફીટ કરવામાં આવ્યું હતું.
વજનદાર અને ધારદાર હથિયારને સ્ટેન્ડ પર લટકાવી દંપતી હવનકુંડ સામે પોતાના માથા રાખીને સૂઈ ગયા હતા. બાદમાં હાથમાંથી દોરી છોડી મૂકી હતી. જેથી વજનદાર હથિયાર બરાબર દંપતિના ગળા પર પડ્યું અને બંનેના માથા ધડથી અલગ થઈ ગયા.