Rajkot: રાજકોટમાં બાંધકામ સાઈટ પર લોખંડની પ્લેટ માથે પડતા યુવકનું કમકમાટીભર્યું મોત
રાજકોટ શહેરમાં એક ખૂબ જ ગમખ્વાર ઘટના બની છે. જેમાં શહેરના કોરાટ ચોકમાં કાંગશીયાળી રોડ પર બાંધકામ સાઈટ પર લોખંડની પ્લેટ માથે પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું હતું.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક ખૂબ જ ગમખ્વાર ઘટના બની છે. જેમાં શહેરના કોરાટ ચોકમાં કાંગશીયાળી રોડ પર બાંધકામ સાઈટ પર લોખંડની પ્લેટ માથે પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું હતું. બાંધકામ સાઈટ પર કામગીરી ચાલી રહી હતી ત્યારે લોખંડની પ્લેટ શ્રમિક ઉપર પડી હતી. સાઈટ પર મૃત્યુ પામેલા યુવકનું નામ રમેશ હમીરજી ચૌહાણ (ઉ.30) હોવાનું મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે વિગતવાર જોઈએ તો બાંધકામ સાઈટ પર લોખંડની પ્લેટ હીટાચી મશીનમાં બાંધી તેને ફેરવવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ લોખંડની પ્લેટ પડતા શ્રમિક રમેશ તેની નીચે દબાયો હતો. ઈજાગ્રસ્ત રમેશને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેણે દમ તોડ્યો હતો. મૃતકના પરિવારમાં શોક છવાયો હતો. આ ઘટનાને લઈ બાંધકામ સાઈટ પર કામ કરતા અન્ય શ્રમિકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. શાપર પોલીસે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. મૃતક રમેશ બાંધકામ સાઈટ પર 2 મહિનાથી કામ કરતો હતો.
પોલીસકર્મીનું ટ્રેન નીચે કપાઈ જતા મોત
રાજકોટ રેલ્વે સ્ટેશન પર અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઈ જતા રેલવે પોલીસકર્મી મનસુખભાઈ જીંજરીયા (ઉ.વ.42)નું કમકમાટીભર્યું મોત થયું છે. આ ઘટનાને લઈ પોલીસ વિભાગમાં ગમગીની વ્યાપી ગઈ છે. રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે મનસુખભાઈ આ પહેલા પોપટપરા માઉન્ટેડ પોલીસ લાઈનમાં રહેતા હતા. થોડા સમય પહેલા જ આજી ડેમ પાસેના માંડાડુંગર પાસે નવું મકાન લીધુ હતું અને તેઓ ત્યાં રહેવા આવ્યા હતા.
આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી
અહેવાલ અનુસાર, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા (ઉ.વ.42) શનિવારે રાત્રે બે વાગ્યે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશને સાથી કર્મચારી એએસઆઇ પરેશભાઇ ડોડિયા હાજર હોય તેમણે મનસુખભાઈને પૂછ્યું કે, અત્યારે કેમ આવ્યા ? તમારી તો સવારની ડ્યુટી છે ? જેથી મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે છે. જેનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની બાતમી મળી છે. મોબાઈલ ચોરની બાતમી મળતા તપાસમાં ગયેલા પોલીસમેનનું ટ્રેન હેઠળ કપાઈ જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અકસ્માતનો છે કે પછી કોઈએ ધક્કો માર્યો? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
ટ્રેન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીં તે જતા રહ્યા હતા. 10 મિનિટ પછી એએસઆઇ ડોડીયા પોલીસ સ્ટેશનમાં જ બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્ટરનો મેમો આવ્યો અને કોઈ ટ્રેન હેઠળ કપાઈ ગયું હોય તેવી જાણ કરાઈ હતી. પરેશભાઈ ડોડીયા ત્યાં પહોંચીને જોતા મનસુખભાઇનો મૃતદેહ બે કટકા થયેલી હાલતમાં પડ્યો હતો.