ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા ભાજપનાં સાંસદો અને ધારાસભ્ય મેદાને, કોંગ્રેસે પણ ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદનપત્ર
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ ને લઈ ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
Onion Export Ban: ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને હટાવવા હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્ય મેદાને આવ્યાં છે. સૌરાષ્ટ્રમાં ખેડુત નેતા અને ભાજપ સાંસદ મોહન કુંડારીયા સહિત સાંસદ રમેશભાઈ ધડુક અને રાજેશ ચુડાસમાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખ્યો અને ડુંગળી પરના પ્રતિબંધને તાત્કાલિક હટાવવા માગ કરી છે.
તો ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પણ કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખી તાત્કાલિક ડુંગળી પરના પ્રતિબંધને હટાવવા માગ કરી છે. ડુંગળી પરના પ્રતિબંધના કારણે છેલ્લા ચાર દિવસમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે. એવામાં હવે ખુદ ભાજપના સાંસદો અને ધારાસભ્યો ખેડૂતોની મદદે આવ્યા છે. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ કૃષિમંત્રીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ડુંગળીની નિકાસમાં છુટ આપવા માંગ કરી છે. તો નિકાસ પર પ્રતિબંધના કારણે પૂરતા ભાવ ન મળતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.
કોંગ્રેસ પણ ડુંગળી પર પ્રતિબંધ હટાવવા મેદાને
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસ પ્રતિબંધ ને લઈ ધોરાજી પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા કાર્યકરો સાથે ડુંગળીનાં હાર પહેરી અને ડેપ્યુટી ને ડુંગળી આપી નિકાસ પ્રતિબંધ હટાવવા આવેદનપત્ર આપ્યું છે. રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયા અને કાર્યકરો અને ખેડૂતોએ સુત્રોચ્ચાર કર્યા છે. કોંગ્રેસ કાર્યકરોએ ડુંગળીનાં હાર પહેરી ડુંગળી સાથે લઈ ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સરકારે ડુંગળી ઉપર નિકાસ પ્રતિબંધ લગાવી ખેડૂતનાં પેટ ઉપર પાટુ માર્યું છે.
700 રૂપિયામાં વેચાતી ડુંગળી બસો રૂપિયામાં વેચાઈ રહી છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ખેડૂતોને સાથે રાખી નિકાસ પ્રતિબંધ હટાવવા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
સ્થાનિક બજારમાં કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પર સચિવે કહ્યું, નિકાસ પ્રતિબંધથી ખેડૂતોને કોઈ અસર થશે નહીં. આ વેપારીઓનું એક નાનું જૂથ છે, જેઓ ભારતીય અને બાંગ્લાદેશના બજારોમાં ભાવ વચ્ચેના તફાવતનો લાભ લઈ રહ્યા છે. જે વેપારીઓ અલગ-અલગ ભાવનો લાભ લઈ રહ્યા હતા તેઓને નુકસાન થશે, એમ તેમણે જણાવ્યું હતું. પરંતુ, તેનાથી ભારતીય ગ્રાહકોને ફાયદો થશે. આ વર્ષે 1 એપ્રિલથી 4 ઓગસ્ટ વચ્ચે 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાતકારો બાંગ્લાદેશ, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત છે.