રાજકોટના લોધિકા પાસે નદીના પૂરમાં તણાઇ કાર, લોકોએ જીવના જોખમે સાત લોકોને બચાવ્યા
ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.
રાજકોટઃ રાજકોટના લોધિકા પાસે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના લોધિકામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લોધિકા પંથકમાં શુક્રવારે સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે લોધિકા પાસે આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીમા પ્રવાહમાં એક કાર તણાઇ ગઇ હતી.
જોકે આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેઓએ કારમાં સવાર સાત લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામના તરવૈયાઓએ પોતાનો જીવને જોખમમાં મુકીને નદીમાં કૂદી પડ્યા હતા. બાદમાં સાતેય લોકોને દોરડા વડે ખેંચીને નદીના પૂરમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં વરસાદ વરસ્યો હતો. પલસાણામાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના દિયોદરમાં પોણા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીના ખેરગામમાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરતના બારડોલીમાં પણ પાંચ ઇચ વરસાદ વરસ્યો હતો. ડિસામાં પાંચ ઇંચ, અમીરગઢમાં પાંચ ઇંચ, સુરતના ચોર્યાસીમાં પોણા પાંચ ઇંચ, વલસાડ તાલુકામાં સાડા ચાર ઇંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઇંચ, નવસારી તાલુકામાં ચાર ઇંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, અમદાવાદમાં આગામી ચાર દિવસ સારા વરસાદની શક્યતા નહીવત છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.