અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર યથાવત છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર યથાવત છે. અમરેલીના જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારો નાગેશ્વરી, મીઠાપુર, દુધાળા અને ટીંબી ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત અનુભવી છે.
ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના તમામ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તોરમાં વરસાદ વરસ્યો છે. કામરેજમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. સુરતમાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી. દર ચોમાસામાં આ જ સ્થિતી થવા છતાં પ્રશાસનની બેદરકારી સામે આવી રહી છે.
21 અને 22 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વલસાડ, નવસારી,તાપી, સહિત અન્ય વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ મન મૂકીને મેઘરાજા વરસી શકે છે. અમરેલી,ગીરસોમનાથ સહિતના અન્ય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી શકે છે.
22 જૂને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અમદવાદના નાગરિકોએ સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં હાલ વરસાદની સંભાવના નહીંવત છે.