સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જુનાગઢ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટનું ગોંડલ જ્યાં લાંબા વિરામ બાદ આજે સાંજ થતા ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ગોંડલના વાસાવડ પંથકમાં તો એક કલાકમાં બે ઈંચ વરસાદ વરસી ગયો. જેના કારણે વાસાવડ પાણી- પાણી થઈ ગયું. ગોંડલ ઉપરાંત તાલુકાના રાવણા, પાટખિલોરી, ધરાળા, દેરડી (કુંભાજી) સહિતના ગામમાં પણ વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમરેલીના બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બગસરા તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બગસરાના લુઘીયામાંથી પસાર થતી સાતલડી નદીમાં પૂર આવ્યું છે. લુઘીયાના ઉપરવાસમાં મોણવેલ અને વેકરિયા સહિતના ગામમાં ભારે વરસાદના કારણે સાતલડી નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં ન જવા પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હાલ રાજ્યમાં 57 ડેમ હાઈએલર્ટ પર છે, જ્યારે 10 ડેમ એલર્ટ પર છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 57 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 70 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 28 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 80 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.