આદર્શ પોલીસ અધિકારી પ્રદીપસિંહ જાડેજા સેવા નિવૃત, સ્ટાફે આપી જાજરમાન વિદાય
એસપી પ્રદીપસિંહ જાડેજા 31 ઓગસ્ટના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા એસ.આર.પી. ગ્રુપ 13 ઘંટેશ્વરના જવાનો તથા અધિકારીઓ દ્વારા વિદાય સમારંભ યોજી તેમને વિદાયમાન આપવામાં આવ્યુ હતું.

રાજકોટ: એસ.આર.પી. ગ્રુપ 13, ઘંટેશ્વરના સેનાપતિ તરીકે તાજેતરમાં નિમણૂક પામેલા એસપી પ્રદીપસિંહ જાડેજા 31 ઓગસ્ટના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા એસ.આર.પી. ગ્રુપ 13 ઘંટેશ્વરના જવાનો તથા અધિકારીઓ દ્વારા વિદાય સમારંભ યોજી તેમને વિદાયમાન આપવામાં આવ્યુ હતું. આ વિદાય સમારંભમાં રાજકોટ હથિયારી રેન્જના વડા એડિશનલ ડીજીપી પી.કે. રોશન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓના બેચમેટ રાજકોટ ટ્રાફિક એસીપી વી.જી. પટેલ, રીટા. ડીવાયએસપી અજયસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી, આર.કે.ઝાલા, ઉપરાંત રીટા. પોલીસ અધિકારી રીટા. ડીવાયએસપી કે.બી.ઝાલા, કે.ડી.પરમાર,એસ.બી.ગોહિલ, એન.બી.જાડેજા, ડી.ટી. વાઘેલા સહિતના તેઓના વતનના મિત્રો, કુટુંબીજનો, સ્કૂલ સમયના મિત્રો, જવાનો તથા અધિકારીઓ સહિતના બહોળા ચાહક વર્ગના લોકો હાજર રહ્યા હતા.

તાજેતરમાં જ એસપી પ્રદીપસિંહ જાડેજાને સરકાર દ્વારા પ્રમોશન આપી એસ.આર.પી. ગ્રુપ 13 ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એસપી પ્રદીપસિંહ જાડેજા, રાજકોટ તાલુકાના સૂકી સાજડિયાળી ગામના વતની છે. તેમણે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને ડીસીપી/એસપી તરીકે સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા શહેર, અમદાવાદ શહેર, લીંબડી, જૂનાગઢ, સહિતના જિલ્લાઓ અને શહેરોમાં સફળતા પૂર્વક યાદગાર ફરજ બજાવી હતી. હાલમાં એસપી તરીકે બઢતી પામી એસ.આર.પી. ગ્રુપ 13 ઘંટેશ્વર ખાતે સેનાપતી તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા.

વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સમયે પ્રદિપસિંહ જાડેજાએ આશિષ ભાટિયા અને સુપરકોપ ગણાતા અભયસિંહ ચૂડાસમા સાથે શહેરની ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. આ સમયે બહારના રાજ્યોની પોલીસ સાથે સંકલનની અદ્ભુત કામગીરી કરવામાં આવી હતી. તેમણે વડોદરા ખાતે પણ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

તેઓ ગુન્હાની તપાસ, કાયદો વ્યવસ્થા, લોકોની સેવા, તમામ સમાજના આગેવાનો સાથે સંકલન, પ્રેસ અને મીડિયાના કર્મીઓ સાથે સંકલન બાબતે ખૂબ જ જાણીતા બન્યા હતા. તેઓને પ્રસંશનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, ઇન્વેસ્ટિગેશન માટે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ, ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તરફથી ડીજીપી કોમન્ડેશન ડિસ્ક, બે ઇ કોપ ઓફ ધ મંથ એવોર્ડ અને આશરે 450 ઈનામ તથા સન્માનપત્રો એનાયત કરવામાં આવેલ હતા. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં લીંબડી, ચોટીલા, વિસાવદર અને જૂનાગઢ ખાતે ચાર ચાર વખત મંત્રીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. કોરોના કાળના સમય દરમિયાન તેઓની જૂનાગઢ ખાતે લોકોની સેવા કરવા બાબતે પણ જુદી જુદી સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા તથા જુદા જુદા સમાજ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું.
એસપી પ્રદીપસિંહ જાડેજા શરૂઆતથી જ મહેનતુ અધિકારી તરીકેની છાપ ધરાવતા હોય જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં લોક ચાહના અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સાથી કર્મચારીઓનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. આજે પણ લોકો તેમને માન સાથે યાદ કરે છે.





















