Rajkot Rain: રાજકોટ લોકમેળાની મજા બગાડશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી
Rajkot Rain: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.

Rajkot Rain: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે એ જ સમયે મેઘરાજા પણ મેળામાં આવે તેવી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15થી 21 ઓગસ્ટ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદ લોકમેળાની મજામાં વિઘ્ન નાખી શકે છે, પરંતુ મેળાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ખાસ કરીને 15 થી 21 ઓગસ્ટના સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે. જો કે, હવામાન વિભાગે માછીમારો માટે કોઈ વિશેષ એલર્ટ જાહેર કર્યું નથી. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમની રહેશે.
બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કવર કરશે
તારીખ 14-15 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. આ વરસાદ ગુજરાતભરમાં સાર્વત્રિક રીતે થશે. અત્યાર સુધી અરબસાગર નિષ્ક્રિય હતો અને વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હતી, હવે અરબસાગર પણ સક્રિય થયો છે. પરંતુ 15થી 21 ઓગસ્ટ દરમિયાન જે સિસ્ટમ આવશે તે બંગાળની ખાડીમાંથી જ આવવાની છે જે સાયક્લોનિક સરક્યુલેશનમા હશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને કવર કરી શકે છે.
ગયા વર્ષે પણ લોકમેળો વરસાદમાં ધોવાઇ ગયો હતો
ગયા વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો 24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા. આથી લોકોની સલામતીના હેતુસર ગયા વર્ષે ધરોહર લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મેળો રદ કરવામાં આવતા સ્ટોલધારકો, રાઇડ્સ સંચાલકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો ધરોહર લોકમેળો વરસાદને કારણે ધોવાઈ જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. રાજકોટ કલેકટર દ્વારા મેળો રદ કરી સ્ટોલ અને પ્લોટધારકોને તેમનાં નાણાં પરત કરાયા હતા. ગયા વર્ષે વરસાદને લીધે મેળો પાણીમાં ધોવાઈ જતાં સાતમ અને આઠમના દિવસોમાં જ્યાં દર વર્ષે ભારે ભીડ હોય તે લોકમેળામાં કાગડા ઉડતા જોવા મળ્યા હતા.





















