Rajkot: મધર્સ ડે પર રાજકોટમાં બની કાળજુ કંપાવતી ઘટના, સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસની બાળકીને ત્યજી દેવાઈ
આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. તાજી જન્મેલી બાળકીને તરછોડી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અનામી પારણામાં આ બાળકીને ત્યજી દેવામાં આવી છે.
રાજકોટ : આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. તાજી જન્મેલી બાળકીને તરછોડી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અનામી પારણામાં આ બાળકીને ત્યજી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ પર આ પ્રકારની ઘટના બનતા રાજકોટ સિવિલના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
શનિવાર રાત્રે એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી. આ વ્યક્તિ સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગમાં આવ્યો હતો. જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી. બાદમાં આ પુરુષ ત્યાંથી ફરાર થયો હતો. જે બાદ તબીબોના ધ્યાનમાં આ વાત આવી હતી. હાલ નવજાત બાળકીને સિવિલમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આ મામલે સિવિલ ચોકી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ત્યજાયેલા બાળકોની સુરક્ષા અને સલામતી જળવાય તે માટે બે વર્ષ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં અનામી પારણું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બાળકને પારણાંમાં મુકી બેલની સ્વિચ દબાવતા સમાજ સુરક્ષા વિભાગને તુરંત જાણ થશે.
આ ઘટના અંગે સ્થાનિક સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા હતા અને તેમને આ અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા હતા.
આ ઘટના અંગે જાણ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ ના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની ભાવના જાગી હતી. તો બાળકીના માતા પિતા પ્રત્યે ધૃણાની લાગણી પણ લોકોમાં જોવા મળતી હતી.