પીએમ મોદીના કાર્યક્રમમાં નરેશ પટેલે ન આપી હાજરી, અટકળોનો આવ્યો અંત
પીએમએ આજે આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જો કે આ પહેલા એવી વાત સામે આવી હતી કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આટકોટ પી.એમના કાર્યક્રમમાં હાજર રહેશે.
રાજકોટ: પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે છે. પીએમ આજે આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જો કે આ પહેલા એવી વાત સામે આવી હતી કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આટકોટ પી.એમના કાર્યક્રમમાં હાજર રહેશે. જો કે આજે તેઓ ગેરહાજર રહેતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. નોંધનિય છે કે, હોસ્પિટલના નિર્માતા અને ભાજપના અગ્રણી ડો.ભરત બોધરા દ્વારા નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેથી ફરી એવી ચર્ચા પણ થવા લાગી હતી કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે? તો બીજી તરફ આ મહિનાના અંતમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તેની જાહેરાત કરશે. જેને લઈને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
પ્રધાનમંત્રી મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. થોડીવારમાં પીએમ સભા સ્થળે પહોચશે. પ્રધાનમંત્રીએ હોસ્પિટલમાં નિર્માતા અને ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પીઠ થાબડી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા પણ હાજર છે.
પ્રધાનમંત્રીએ ભારત માતા કી જય બોલાવી સંબોધનની શરૂઆત કરી
પ્રધાનમંત્રીએ ભારત માતા કી જય બોલાવી સંબોધનનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ લોકોને હાથ જોડીને વંદન કર્યું. તમણે કહ્યું, આઠ વર્ષ પહેલા વિદાય આપી હતી. તમારો પ્રેમ વધતો જ જાય છે. હું ગુજરાતી ધરતીને નમન કરું છું. પૂજ્ય બાપૂ અને સરદાર પટેલને યાદ કર્યા. પીએમ મોદીએ લોકોને કહ્યું તમારા બધાની વેક્સિન થઈ ગઈ છે ને. કોઈને એક રૂપિયા પણ આપવો પડ્યો?
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. આ સેમિનારમાં કેંદ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'સહકાર સે સમૃદ્ધિ' વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.