(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: માવઠાથી થયેલા નુકસાન મુદ્દે સરકારે કરી સહાયની મોટી જાહેરાત, આ દિવસથી શરૂ થશે સર્વે
Rajkot: કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી
Rajkot: કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે માવઠાથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે.
તેમણે કહ્યું હતું કે 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે ત્યાં SDRF મુજબ સહાય ચૂકવાશે. તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાનીનું વિશ્લેષણ કરાશે. આજથી જિલ્લાવાર નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થશે. વિરોધ પક્ષનું કામ આક્ષેપો કરવાનું છે. સર્વે બાદ સરકારના ધારધોરણો પ્રમાણે સહાય અપાશે. 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો SDRF મુજબ સહાય ચુકવાશે. SDRFના ધોરણ મુજબ હેકટર દીઠ 6800 સહાય ચૂકવવામાં આવે છે. બે હેકટરની જ મર્યાદા છે.
વધુ નુકસાન ન થયાનો કૃષિ મંત્રીનો દાવો
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે. રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી. આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું
વધુમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેની વાવણી પૂર્ણ થઈ તેને નુકસાન થયું નથી. 10થી 15 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક છે. 5 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર થયું છે. 2 લાખ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. તુવેરના પાકને નુકસાન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. રાઘવજી પટેલે કહ્યું હતું કે સર્વે કરવાની સૂચનાઓ આપી દીધી છે. આજથી જ અમારા અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.