રાજકોટ-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર ટકરાયા બાદ આગ લાગી, માતા-પુત્રી સહિત ૪ જીવતા ભડથું, ૩ ઘાયલ
સરધાર ભાડલા રોડ નજીક બની ઘટના, આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા.

Rajkot bhavnagar highway accident: રાજકોટ-ભાવનગર હાઈવે પર સરધાર-ભાડલા રોડ નજીક આજે સાંજે એક અત્યંત હૃદય કંપાવનારો અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં માતા-પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોના કરપીણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ગણતરીની સેકન્ડોમાં જ બંને કારમાં આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગમાં ફસાઈ જવાથી અલ્ટો કારમાં સવાર ચાર લોકો જીવંત ભડથું થઈ ગયા હતા.
સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, અકસ્માત બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો અને તેઓ અંદર જ ભડથું થઈ ગયા હતા. આ ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલના એક પરિવારના સભ્યો કાળનો કોળિયો બન્યા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં (૧) નિરુબેન અતુલભાઈ મકવાણા (ઉ.વ. ૩૫), (૨) હેતવી અતુલભાઈ મકવાણા (ઉ.વ. ૩ વર્ષ), (૩) હેમાંશી શાહીલ સરવૈયા (ઉ.વ. ૨૨), અને (૪) મિત અશોકભાઈ સાકરીયા (ઉ.વ. ૧૨) નો સમાવેશ થાય છે. આ તમામ ગોંડલના રહેવાસી હતા.
જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલાઓમાં (૧) શાહીલ સરવૈયા (ઉ.વ. ૨૨), (૨) હિરેન અતુલ મકવાણા (ઉ.વ. ૧૫), અને (૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા (ઉ.વ. ૪૦) નો સમાવેશ થાય છે. આ તમામ પણ ગોંડલના રહેવાસી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ગોંડલમાં રહેતા આ પરિવારના લોકો ગોંડલ નજીક આવેલા ભંડારિયા ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી પરત ગોંડલ ફરતી વખતે તેમને આ ગોઝારો અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ACP રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, સરધાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માત અને કોઈ કારણસર આગ લાગતા અલ્ટો કારમાં સવાર ૮ લોકો પૈકી ત્રણને ઈજા થઈ છે અને ત્રણ લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ અંગે માહિતી મળી નથી. તેમણે પુષ્ટિ કરી હતી કે અલ્ટોમાં સવાર લોકો ગોંડલના રહેવાસી હતા.
આજીડેમ પોલીસે અકસ્માત અને આગના કારણો સહિત સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને માર્ગ સલામતી અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.





















