Rajkot: નાઈટ કર્ફ્યૂના નિયમો તોડી પોલીસપુત્રએ કરી જન્મદિવસની ઉજવણી
રાજકોટમાં (Rajkot) સતત વધતા કોરોના કેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો (Night Curfew) સખત અમલ કરાવવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ભંગની ઘટના સામે આવી છે.
રાજકોટ: રાજકોટમાં (Rajkot) સતત વધતા કોરોના કેસ મામલે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂનો (Night Curfew) સખત અમલ કરાવવામાં આવી રહ્યો છે. એવામાં રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ભંગની ઘટના સામે આવી છે. રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ વચ્ચે પોલીસ લાઈનમાં ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
અહેવાલ અનુસાર, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ વચ્ચે પોલીસ લાઈનમાં બર્થ-ડે ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં હનુમાન મંદિર પાસે કાર પર કેક રાખી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ ફટાકડા ફોડવામાં પણ આવ્યા હતા. 22 એપ્રિલના પોલીસપુત્ર રીઝવાન મોગલ નામના વ્યક્તિનો જન્મદિવસ હતો.
જો કે, બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરમાં બર્થ ડે ઉજવણી પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસ લાઈનમાં કર્ફ્યૂ ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 25, વડોદરા કોર્પોરેશન-9,રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, જામનગર કોર્પોરેશન 8, સુરત-3, બનાસકાંઠા-3, જામનગર-7, પાટણ 2,વડોદરા 5, ભાવનગર કોર્પોરેશન-4, સાબરકાંઠા 6, ભાવનગર 4, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 2, જૂનાગઢ 2, મહીસાગર 2, વલસાડ 2, તાપી 1, અમરેલી 2, સુરેન્દ્રનગર 6, આણંદ 1, અરવલ્લી 2, અમદાવાદ 1, મોરબી 5, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકામાં 2, ડાંગ 3, રાજકોટ 4 અને બોટાદમાં 1 મોત થયું છે.