રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી: આયોજકોએ મોરારીબાપુ અને રમેશ ધડૂકને પણ બાટલીમાં ઉતાર્યા, જાણો કેટલું દાન લીધું
મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર, ત્રણ આરોપીની ધરપકડ, પોલીસ તપાસ ચાલુ.

Rajkot marriage fraud case: રાજકોટમાં સમૂહ લગ્નના નામે એક મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને સંભાળી હતી. પોલીસે છ યુગલોના લગ્ન કરાવ્યા હતા અને બાકીના યુગલોને તેમના ઘરે પરત મોકલ્યા હતા. પોલીસે આ કેસમાં ત્રણ આરોપી દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ ઘણા સમય પહેલા કથાકાર મોરારી બાપુ અને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ દાન લીધું હતું. ત્રણથી ચાર વર્ષ પહેલા મોરારી બાપુ પાસેથી પણ 1.51 લાખનો ચાંદલો લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ સમૂહ લગ્નનું આયોજન નહીં પરંતુ અનેક યોજના હેઠળ સીસીમાં ઉતારી નાણાં ખંખેરવાનું કારસ્તાન રચ્યું હતું. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ આગવા કલાકારોને પણ સીસામાં ઉતાર્યા હતા અને દુબઈ ટૂરના નામે નાણાં ઉઘરાવ્યા બાદ ટૂર પણ કાઢી નહોતી.
રાજ્ય ગૃહ મંત્રીએ આ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમૂહ લગ્નના આયોજકો બરોબર લગ્નના સમયે લગ્ન સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા, જેના કારણે અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા હતા અને અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર હતા. આયોજકોએ દીકરીઓની આસ્થા અને આકાંક્ષાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયોજકો પર ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થશે અને રાજકોટ પોલીસના સૌથી સોશિયલ ઉદાહરણ સામે આવ્યું છે. ઘટના બાદ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે છ લગ્ન કરાવ્યા હતા. તેમણે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને પોલીસ, મીડિયા અને સામાજિક આગેવાનોએ એક સામાજિક કાર્ય જવાબદારી પૂર્વક પૂર્ણ કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ ACP રાધીકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 28 નવ યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ જતા પોલીસે 6 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને 6 આયોજકોના નામ હતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે દરેક યુગલના 30 હજાર ઉઘરાવ્યાં હતા અને 50 કરતા વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હોય તેની પાસેથી દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દાતાઓ પાસેથી પણ રૂપિયા વસુલ કર્યા હોવાનું ખુલ્યું છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ કરવામાં આવી રહી છે અને અગાઉ પણ આરોપીએ સમૂહ લગ્નનું આયોજન કરી છેતરપીંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. દીકરીના પિતા ફરિયાદી બન્યા છે અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં છેતરપિંડી અને ગુનાહિત બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદ્રેશ છત્રાલા સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ત્રણ શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. ગુનો નોંધાયેલા આરોપીઓમાં ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ, દિપક હિરાણી, હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા અને દિલીપ વરસંડાનો સમાવેશ થાય છે. પોલીસે મનીષ વિઠ્ઠલાપરા, દિલીપ ગોહિલ અને દિપક હિરાણીની ધરપકડ કરી છે અને ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. દીકરીના પિતા કાનજીભાઈ ટાટમિયા ફરિયાદી બન્યા છે અને આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવશે.
રાજકોટ સમૂહ લગ્નનું આયોજન કરનાર મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા ફરાર છે અને સમૂહ લગ્નમાં છેતરપિંડીનો માસ્ટર માઈન્ડ ચંદ્રેશ છાત્રોલા હોવાનું માનવામાં આવે છે. સવારના સમયે ચંદ્રેશ છત્રોલા સિવાયના આયોજકો સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ લોકોનો રોષ જોઈને આયોજકોએ લગ્ન સ્થળથી ભાગવું પડ્યું હતું. ત્રણ જેટલા આયોજકો પહોંચ્યા હતા, જોકે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ન આવતા વરઘોડિયા રજડી પડ્યા હતા. પોલીસ હાલમાં ચંદ્રેશ છત્રોલાને પકડવા માટે સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
