(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: કૃષિમંત્રીને મગફળીનું બિયારણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા કોણે કરી રજૂઆત ? જાણો શુ છે કારણ
ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબીયા એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે.
Rajkot: ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ચાલુ વર્ષે સતત વરસાદના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મગફળીના પાકને નુકસાન થયું છે. જેને લઈ ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ અને તેલીબીયા એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, ખેડૂતો મોંઘુ બિયારણ લઈ શકે તેમ નથી તો સરકાર બિયારણ ઉપલબ્ધ કરાવે. 90 દિવસમાં પાકતી ઉભડી મગફળીની જાત ખેડૂતો વાવી શકે છે. મગફળીના વાવેતર માટે હજી સમય છે મોડું થયું નથી..
શું લખ્યું છે પત્રમાં
તેમના પત્ર મુજબ, મગફળી એ આપણા રાજ્યનો એક મહત્વનો ખરીફ પાક છે. સ્વાસ્થ્ય માટે સિંગદાણા અને તેમાંથી બનતું સિંગતેલ ખરેખર ખૂબજ ફાયદાકારક છે. તેનું નિયમિત સેવન અનેક રોગોના પ્રતિકાર માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત દાયકાઓથી સિંગતેલના ભાવનો પ્રશ્ન રાજ્યના રાજકારણમાં અતિ સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. સિંગતેલના ભાવ વધે ત્યારે વિપક્ષો અને મીડિયાનો એખ વર્ગ આ અંગે બિનજરૂરી બુમરાણ મચાવે છે અને તર્ક હિન આક્ષેપ કરે છે. ઉપરોક્ત બધા કારણોસર રાજ્યમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન વધે તે જોવું હિતાવહ છે.
આ વર્ષે મગફળીનું વાવેતર પ્રમાણસર થયું છે પરંતુ અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારમાં આ પાક સદંતર અથવા મોટા પ્રમાણમાં નિષ્ફળ જાય તેવી સંભાવના ઉપસ્થિત થઈ છે. રાજ્યના ખેડૂતો જ્યાં જ્યાં વાવેતર નિષ્ફળ ગયા છે ત્યાં અન્ય જણસનું વાવેતર કરવા પ્રેરાશે. જેના કારણે મગફળીનું ઉત્પાદન ઓછું થશે અને અતિ આરોગ્યપ્રદ સિંગદાણા અને સિંગતેલની ઉપલબ્ધિ ઘટશે. આવ સંજોગોનું નિર્માણ ન થાય તે માટે રાજ્યના ખેડૂતોને ફરી મગફળી વાવવા પ્રેરિત કરો તેવી અમારી માંગણી છે. મગફળીના વાવેતર માટે હજી મોડું થયું નથી. 90 દિવસમાં તૈયાર થાય તેવી ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય તેમ છે. આ મગફળી દિવાળી સુધીમાં તૈયાર થઈ જાય અને દિવાળી પછી શિયાળુ પાકોના વાવેતર થઈ શકે તેમ છે. માત્ર બિયારણની ઉપલબ્ધિ, મગફળીના ફરી વાવેતર માટે અંતરાય બને તેમ છે, માટે સરકાર દ્વારા જો રાજ્યના ખેડૂતોને તાત્કાલિક ધોરણે વિના મૂલ્યે મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવે તો મગફળીનું ઉત્પાદન એકંદરે જળવાઈ રહે અને લોકોને જરૂરિયાત મુજબ સિંગદાણા અને સિંગતેલ મળતું રહે.
Join Our Official Telegram Channel: