રાજકોટના મેયર સરકારી ગાડી લઇ મહાકુંભમાં પહોંચ્યા, જાણો કેટલું આવ્યું બિલ?
જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી

સરકારી ગાડીમાં પ્રયાગરાજનો પ્રવાસ રાજકોટ મેયરને મોંઘો પડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા મહાનગરપાલિકાની ગાડી લઇને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા હતા. જેને લઇને મોટો વિવાદ સર્જાયો હતો. મેયર નયના બેન પેઢડીયા મહિલા મોરચાના અધ્યક્ષ કિરણ માકડિયા સાથે મહાકુંભમાં સરકારી કાર લઇને પહોંચ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જોકે આ સમગ્ર બાબતે વિવાદ વધતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવા માટે સાત દિવસનો પ્રવાસ કરનાર નયનાબેન પેઢડિયાને પ્રતિ કીમી 10 રૂપિયાના ભાવે બિલ આપવામાં આવ્યું હતું. આ રીતે રાજકોટ મેયર પાસેથી 34 હજાર 780 રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું હતું. સરકારી ગાડીના અંગત ઉપયોગને લઈ એબીપી અસ્મિતા સહિતના માધ્યમોએ ઉઠાવેલા સવાલ બાદ મનપાના જૂના ઠરાવ મુજબ પ્રતિ કીમી 2 રૂપિયા નહીં પણ રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે પ્રતિ કિમી 10નું ભાડુ રાજકોટના મેયર પાસેથી વસૂલવામાં આવ્યું હતું.
રાજકોટના મેયર RMCની કાર લઈને મહાકુંભમાં ગયા હતા. જેમાં સરકારી ગાડીનો ઉપયોગ કરતા મેયર નયનાબેનને 34 હજાર 780 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. સરકારી ગાડી મહાકુંભ ફરી કોર્પોરેશન આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રવાસમાં મેયરની સરકારી કાર 3400 કિમી ચાલી હતી.
આ મામલે હવે મેયરે પણ નિવેદન આપ્યું હતું. મેયરે કહ્યું હતું કે મે બિલ ચૂકી દીધું છે. સરકારના નિયમ મુજબ મે કિલોમીટર દીઠ ભાડુ ચૂકવ્યું છે. જે ઠરાવની અંદર લખેલા છે તે મુજબ મે રકમ ભરી દીધી છે. રાજકોટ મહિલા મેયરે પોતાની ગરિમા ન જળવાયાનો પણ આરોપ લગાવ્યો હતો. હું કાર લઈને ગઈ તે મુદ્દે ખોટો હોબાળો મચાવ્યો છે. કાર પર કપડા સૂકવવાનો વિવાદ ખોટો ઉભો કરાયો છે. કપડા ખૂબ ભીના હોવાથી કાર પર સૂકવાયા હતા. ભૂતકાળના મેયરે પણ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો છે. મને પાર્ટીમાંથી જ્યારે પૂછાશે ત્યારે મારી હકીકત ચોક્કસ રજૂ કરીશ.

સરકારી કાર પર કપડાં સૂકવ્યા
રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા તેમના પતિ વિનોદભાઇ અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયા મહાકુંભમાં સ્નાન માટે ગયા છે. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં સરકારી કાર પર કપડા સૂકવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
અગાઉ આ મામલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર નિવેદન આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, મેયરે રાજ્ય બહાર જવા માટે મંજૂરી મેળવી છે અને નિયમ મુજબ કિલોમીટર દીઠ 2 રૂપિયાનું ભાડું પણ ચૂકવશે. જો કે, અહીં સવાલ એ છે કે શું માત્ર મંજૂરી લેવાથી અને ભાડું ચૂકવવાથી પ્રજાના પૈસાનો અંગત ઉપયોગ યોગ્ય ઠરે છે? શું મેયર માટે ધાર્મિક યાત્રા એટલી મહત્વપૂર્ણ છે કે તેઓ શહેરના અગત્યના કામો પડતા મૂકીને સરકારી ખર્ચે પ્રવાસ કરે?
મેયરની આ કુંભ યાત્રા રાજકીય અને સામાજિક રીતે ભારે વિવાદનું કારણ બની છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે મેયર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગણી પણ ઉઠવા લાગી છે. હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે મેયર નયનાબેન પેઢડીયા શું ખુલાસો કરે છે અને શું આ વિવાદ તેમના પદ પર કોઈ અસર કરશે કે કેમ.





















