Mineral Water : બજારમાં મળતું મિનરલ વોટર પીતા પહેલા ચેતજો, થઇ શકે છે ઝાડા-ઉલટી
Rajkot News : રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે.
Rajkot : બજારમાં મળતું મિનરલ વોટર પિતા પહેલા ચેતજો,આ મિનરલ વોટર પીવાથી ઝાડા-ઉલટી થઇ શકે છે. આવું અમે નહીં પણ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી કહી રહ્યાં છે. રાજકોટમાં મિનરલ વોટરના બે સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. બીસ્વીન અને બીસ્ટર બ્રાન્ડ મિનરલ વોટર બ્રાન્ડનો નમૂનો ફેઈલ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે બંને કમ્પનીઓના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા. બંને કમ્પનીનું શુદ્ધ કહેવાતું અને દેખાતું પાણી અશુદ્ધ નીકળ્યું છે. તારીખ 12-5-2022 ના રોજ આ પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ઉત્પાદક અને વિક્રેતા ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.
કરોડોની કિંમતના બંગલાના સોદામાં દલાલ સામે છેતરપીંડીની ફરિયાદ
રાજકોટમાં કરોડોની કિંમતના બંગલાના સોદામાં દલાલ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. રાજકોટના કોટેચા ચોકમાં આવેલા કરોડોની કિંમતના બંગલાના સોદામાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં વિશ્વાસઘાત પ્રકરણ મામલે શેર દલાલ અનિલ ગાંધી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પ્રવીણ અમરાભાઈ પરમારે શેર દલાલ અનિલ ગાંધી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. અનિલ ગાંધીની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે 4 જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.