Rajkot: રાજકોટમાં SMCના દરોડા બાદ આ પોલીસકર્મીની બદલી, વહીવટદારોમાં સોંપો
રાજકોટના પોલીસ કોન્સ્ટેબલની અચાનક બદલી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે.
રાજકોટ: રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરજણ હરભમભાઇ ઓડેદરાની વહીવટી વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિંમ્હા કોમારના હુકમથી વડોદરા ગ્રામ્યમાં જાહેરહિતમાં તાત્કાલીક બદલી કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કોન્સ્ટેબલની અચાનક બદલી કરવામાં આવતા પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ વિભાગમાં બદલીઓ થવી એ વહીવટી પ્રક્રિયાનો ભાગ હોય છે. પરંતુ કયારેક ખાસ કિસ્સામાં કરવામાં આવતા બદલી બધાનું ધ્યાન ખેંચે છે.
વડોદરા ગ્રામ્ય ખાતે બદલી
રાજકોટના પોલીસકર્મીની વડોદરા ગ્રામ્ય ખાતે કરવામાં આવેલી બદલીએ બધાનું ધ્યાન ખેંચ્યુ છે. તાજેતરમાં રાજકોટમાંથી ગેરકાયદે બાયોડીઝલના વેચાણને લઈ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ગેરકાયદે બાયોડીઝલના ધંધામાં પોલીસકર્મી અરજણ ઓડેદરાની સંડોવણીનો રીપોર્ટ નજર સામે આવતા આ બદલી કરવામાં આવી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.
બાયોડીઝલના ગેરકાયદે ફીલીંગ સ્ટેશન ઉપર દરોડા પાડ્યા હતા
19 જૂલાઈએ સ્ટેટ મોનીટરીંગ સેલે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલા નવાગામમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદે ફીલીંગ સ્ટેશન ઉપર દરોડા કરી 12 હજાર લીટર બાયોડીઝલના જથ્થા સાથે 11 લોકોને ઝડપી પાડ્યા હતા.સૌરાષ્ટ્રમાં બાયોડીઝલનું નેટવર્ક ખૂબ જ મોટાપાયે ચાલે છે. સ્થાનિક પોલીસના દરોડામાં ઘણી વખત કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠે છે. સ્થાનિક પોલીસ દ્વારા સેટિંગ પણ કરવામાં આવતુ હોવાનું વાતો આ પહેલા પણ સામે આવી છે. રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં કડક રીતે પગલા લેવાનું શરૂ થયું છે. થોડા સમય પહેલા ગોંડલ તાલુકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા કરી કરોડો રુપિયાનો દારુ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કેસમાં પણ સ્થાનીક પોલીસ અને કર્મચારીઓની સંડોવણી સામે આવતા તેમની પણ તાત્કાલીક જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. ગેરકાયદે સીન્ડીકેટથી ચાલતા ધંધાઓમાં સંડોવાયેલા માત્ર પોલીસ વિભાગના કર્મચારીઓ સામે પગલા લેવાનું શરૂ થયું છે.
ઉલ્લેખનીય છે કે હાઇવે પર ગેરકાયદે પેસેન્જરોની હેરફેરમાં પોલીસની સાથે-સાથે આરટીઓ પણ સંકળાયેલું હોય છે જયારે ગેરકાયદે ખાણખનીજ ચોરીમાં પણ પોલીસ તંત્ર, કલેકટર તંત્ર અને રાજય સરકારના ચોક્કસ વિભાગની મીલીભગત જાણીતી છે. સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડા કરવામાં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાય છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial