કાશ્મીરમાં હજુ પણ રાજકોટના 17 પ્રવાસીઓ ફસાયા, આજે પરત ફરે તેવી શક્યતા
શ્રીનગરમાં હોટલમાં ફસાયેલા રાજકોટના પ્રવાસીઓ આજે પરત ફરે તેવી શક્યતા છે

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. કાશ્મીર ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ ફ્લાઇટ ન મળવાના કારણે કાશ્મીરમાં ફસાયા છે. રાજકોટના 17 પ્રવાસીઓ હજુ પણ કાશ્મીરમાં ફસાયેલા છે. જમ્મુ-કશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પ્રવાસી ફસાયા હતા. શ્રીનગરમાં હોટલમાં ફસાયેલા રાજકોટના પ્રવાસીઓ આજે પરત ફરે તેવી શક્યતા છે. તમામને અનુકૂળતા મુજબ ફ્લાઈટ સહિતની સગવડો ઉભી કરવામાં આવશે. રાજકોટ જિલ્લા પ્રશાસન સતત પ્રવાસીઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
આતંકી હુમલાના વિરોધમાં ધોરાજીમાં પ્રદર્શન
આતંકી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનના કાર્યકરોએ પાકિસ્તાનના વિરોધમાં નારેબાજી કરી હતી. કાર્યકરોએ આતંકીઓના પૂતળાનું દહન કર્યું અને પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકોએ આતંકવાદીઓનો ખાત્મો કરવાની માંગ કરી હતી.
મોરબીમાં પણ પાકિસ્તાન વિરોધી નારા અને સૂત્રોચ્ચાર લોકોએ કર્યા હતા. શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર વિરોધ કરાયો હતો. જાહેર રોડ પર પાકિસ્તાનના ધ્વજને કચડી વિરોધ નોંધવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્ય, સામાજિક અગ્રણી અજય લોરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં વડોદરાના 17 પ્રવાસીઓ ફસાયા હતા. શ્રીનગરમાં કથાને લઈને વાઘોડિયા રોડના 17 લોકો જમ્મુ કાશ્મીર ગયા હતા. તમામને વતન પરત લાવવા સાંસદ હેમાંગ જોશીની કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ત્યારબાદ ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. પાકિસ્તાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.
આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત
જમ્મુમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે. જેમાં 2 ભાવનગર અને 1 સુરતના વ્યક્તિનું મોત થયું છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શૈલેષ કળથિયાને શ્રદ્ધાજંલિ આપી હતી. ભાવનગરના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાજંલિ આપી હતી.



















