Rajkot: મહિલાએ પતિ અને બે સંતાનોને તરછોડી પ્રેમી સાથે કર્યા લગ્ન, 6 વર્ષ બાદ ફરી પરત ને પતિને.....
Crime News: દોઢેક માસ પહેલા પત્નીએ તેમને કોલ કરી કહ્યું કે હાલ હું ભારતીનગરમાં રહું છું, મારો પ્રેમી જગદીશ મને અને પુત્રને મૂકીને જતો રહ્યો છે. જેથી તમે આપણા બાળકો સાથે મારી સાથે રહેવા આવી જાવ.
Rajkot news: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક મહિલાએ પતિ અને બે સંતાનોને તરછોડી પ્રેમી સાથે લગ્ન કરી લીધા બાદ પ્રેમીએ તરછોડી દેતા ફરીથી પહેલા પતિ પાસે જઇ લવમેરેજના કાગળો બાબતે ઝગડો થતાં પતિને છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. ઘાયલ પતિએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. જો કે જે તે વખતે જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તપાસના અંતે તેને જેલહવાલે કરી દીધી હતી.
ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં. 6માં ભાડેથી રહેતા ભવાન રવજીભાઈ નકુમ (ઉ.વ. 45)મૂળ જામનગરના ખીલ્લોસ ગામના વતની હતા.પ્લમ્બીંગ કામ કરી પત્ની અને બે સંતાનો સાથેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દસેક વર્ષ પહેલા રામાપીર ચોકડી પાસે આવેલા શાસ્ત્રીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે પાડોશમાં રહેતા જગદીશ સાથે તેની પત્નીને પ્રેમ થઇ ગયો હતો. જેથી પત્ની છ વર્ષ પહેલા જગદીશ સાથે ભાગી ગઇ હતી.
દોઢ મહિના પહેલા અચાનક કર્યો પતિને ફોન ને કહી આ વાત
ત્યારબાદ તેઓ પુત્ર અને પુત્રી સાથે રહેતો હતો. અચાનક દોઢેક માસ પહેલા પત્નીએ તેમને કોલ કરી કહ્યું કે હાલ હું ભારતીનગરમાં રહું છું, મારો પ્રેમી જગદીશ મને અને પુત્રને મૂકીને જતો રહ્યો છે. જેથી તમે આપણા બાળકો સાથે મારી સાથે રહેવા આવી જાવ. પરિણામે ભવાન તૈયાર થઇ ગયો હતો અને બંને સંતાનોને લઇ પત્ની સાથે ભારતીનગરમાં રહેવા જતો રહ્યો હતો. 11 સપ્ટેમ્બરના રોજ રાત્રે ભવાન મજૂરી કરી ઘરે આવ્યા બાદ પત્ની સાથે ગાંધીગ્રામમાં શાકભાજી લેવા ગયો હતો. પરત આવી જમીને ખાટલા પર આરામ કરતો હતો ત્યારે પત્નીએ માળિયા ઉપરથી સૂટકેસ ઉતારી કાગળો શોધતી હતી. તેણે ભવાનને કહ્યું કે મારા અને જગદીશના લવમેરેજના કાગળો મેં સૂટકેસમાં રાખ્યા હતા, જે હવે દેખાતા નથી, તમે ક્યાં મૂક્યા છે. જેથી ભવાને કહ્યું કે મને કાગળોની કાંઇ ખબર નથી.
આ વાત સાંભળી પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી અને કહ્યું કે કાગળો આપી દો નહીંતર હું આપણા પુત્રને મારી નાખીશ. ત્યારબાદ તેણી પુત્રને મારવા જતાં ભવાન આડો ઉભો રહી ગયો હતો. પત્નીએ સૂટકેસમાંથી છરી કાઢી તેનો ખૂન્નસપૂર્વકનો ઘા કરતાં લોહીલુહાણ થઇ ગયો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. મામલો ઘરનો હોવાથી ભવાને શરૂઆતમાં તેના ભાઈઓ ભાણજી અને નવિનને આ વાત કરી ન હતી. આખરે તેણે બંને ભાઈઓને સત્ય હકીકત જણાવ્યા બાદ પોલીસને જાણ કરવા મોકલ્યા હતાં. જેથી ગાંધીગ્રામ પોલીસે ગઇ તા. 13 સપ્ટેમ્બરના રોજ ભવાનની ફરિયાદ પરથી તેની પત્ની સામે આઈપીસી કલમ 326 હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજા દિવસે પત્નીની પોલીસે ધરપકડ કરી તપાસના અંતે જેલહવાલે કરી હતી. સિવિલમાં સારવાર લઇ રહેલા ભવાને ગઇકાલે રાત્રે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ સમગ્ર ઘટનાથી બંનેના ત્રણ-ત્રણ બાળકો નોંધારા થઇ ગયા છે.