(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2023: VHPએ કહ્યું, મુસ્લિમ યુવકોને નવરાત્રીમાં ન પ્રવેશવા દેવા, તો પોલીસ કમિશ્નરે આપ્યો આ જવાબ
સુરતમાં આ વર્ષે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. આ વર્ષે ઠેર ઠેર મોટા આયોજનો પણ થઈ રહ્યા છે.જેને લઇ શહેરમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી પણ પોલીસ માટે ખૂબ જ વધી ગઈ છે.
Navratri 2023: નવરાત્રીને લઇ સુરત પોલીસ તૈયાર હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું છે. તો બીજી તરફ VHPએ માંગ કરી હતી કે મુસ્લિમ યુવકોને નવરાત્રીમાં પ્રવેશવા દેવા નહિ, તેના જવાબમાં પોલીસ કમિશ્નરે કહ્યું કે, કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહિ, કાયદાકીય રીતે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રી આયોજન સ્થળે કોઈપણ સમશ્યા સર્જાય તો તરત પોલીસને જાણ કરવી. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરશે.
50000 થી વધુ સીસીટીવીનું મોનિટરિંગ થશે
સુરતમાં આ વર્ષે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. આ વર્ષે ઠેર ઠેર મોટા આયોજનો પણ થઈ રહ્યા છે.જેને લઇ શહેરમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી પણ પોલીસ માટે ખૂબ જ વધી ગઈ છે. નવરાત્રિમાં સુરક્ષાને લઇ સુરત પોલીસ દ્વારા માઇક્રો પ્લાનિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા મહિલા સુરક્ષા માટે એન્ટી રોમિયો કોડ ટીમ તૈયાર કરી છે. 6,000 થી વધુ પોલીસ રાતે જાગતી રહેશે, 50000 થી વધુ સીસીટીવીનું મોનિટરિંગ થશે. તો મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયા બની લોકોની વચ્ચે ફરતા રહેશે અને રોમિયોગીરી કરનારને સબક શીખવાડી મહિલાઓની સુરક્ષા કરશે.
૧૫થી વધુ નાના મોટા નવરાત્રી માટેના ગરબાના આયોજનો થયા છે
મા અંબાની આરાધનાનો પર્વ આ વર્ષે ખુબજ ઉત્સાહભેર સુરતમાં ઉજવાશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ગણપતિનો તહેવાર પણ દર વખત કરતા ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાયો હતો. તે જ રીતે નવરાત્રીના નવ દિવસનો તહેવાર પણ અલગ ઉત્સાહથી અને ઉમંગથી ઉજવાય તેવું લાગી રહ્યું છે. કોરોના બે વર્ષ બાદ ગત વર્ષે છૂટ મળતા નવરાત્રીનો તહેવાર ઉજવાયો તો હતો પરંતુ કોરોનાની આર્થિક અસરને કારણે મોટા આયોજનો ખૂબ જ ઓછા થયા હતા. પરંતુ આ વર્ષે શહેરમાં ૧૫થી વધુ નાના મોટા નવરાત્રી માટેના ગરબાના આયોજનો થયા છે. જેને લઇ આ વર્ષની સુરતની નવરાત્રી અત્યાર સુધીની નવરાત્રી કરતાં ખૂબ જ અલગ અને હટકે રહેવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.
મોડીરાત્રી સુધી સતત પેટ્રોલિંગ કરતી રહેશે પોલીસ
દર વખત કરતાં આ વખતે સુરત પોલીસની મહિલા અને શહેરની સુરક્ષાની જવાબદારી પણ વધી ગઈ છે. સુરત પોલીસ દ્વારા નવરાત્રીને લઈ આ વખતે સુરક્ષા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સાઉન્ડ સિસ્ટમને વગાડવા માટે 12 વાગ્યા સુધીનું જ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે સુરતની પોલીસની જુદી જુદી ટીમ નવરાત્રી દરમિયાન મોડીરાત્રી સુધી સતત પેટ્રોલિંગ કરતી રહેશે. શહેરમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાના બને તેને લઈ તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસનો કાફલો ખડેપગે રહેવા સૂચના આપી દેવામાં આવી છે.