લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
સ્વામી હરિપ્રકાશદાસે એરેન્જ મેરેજને 'વ્યવસ્થા કરીને ફાંસી' ગણાવ્યા હતા તો લવ મેરેજને 'ડાયરેક્ટ ફાંસી' સમાન ગણાવ્યા હતા.

રાજકોટ: લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં હરિપ્રકાશદાસ સ્વામીએ બફાટ કર્યો હતો. સંસારનો ત્યાગ કરનાર સ્વામીએ લગ્ન પ્રથા પર વાણીવિલાસ કર્યો હતો. સ્વામી હરિપ્રકાશદાસે એરેન્જ મેરેજને 'વ્યવસ્થા કરીને ફાંસી' ગણાવ્યા હતા તો લવ મેરેજને 'ડાયરેક્ટ ફાંસી' સમાન ગણાવ્યા હતા. હનુમાનજીની કથામાં આ પ્રકારના બફાટથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ભગવા ધારણ કર્યા હોવા છતાં લગ્ન વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. કથામાં ભગવાનની ભક્તિના બદલે સ્વામીએ લગ્ન વ્યવસ્થા પર બફાટ કર્યો હતો.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાનજીની કથા ચાલી રહી છે
કથામાં સ્વામી હરિ પ્રકાશદાસે કહ્યું હતું કે આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા. મંગળવારે માયા લાગી,બુધવારે બોલ્યા ચાલ્યા. ગુરૂવારે ગમી ગયા,શુક્રવારે સોગંદ લીધા. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાનજીની કથા ચાલી રહી છે. હનુમાનજીની કથામાં સ્વામી હરિ પ્રકાશદાસનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું.
હરિપ્રકાશદાસે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે વાત કરી
રાજકોટના રેસકોર્સમાં હનુમાનજીની યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમાનજીની કથામાં સ્વામી હરિપ્રકાશદાસે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે વાત કરી હતી. તેમણે આપેલું આ નિવેદન હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું હતું કે લવ મેરેજ એટલે 'ડાયરેક્ટ ફાંસી' અને એરેન્જ મેરેજ એટલે 'વ્યવસ્થા કરીને ફાંસી.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં હરિપ્રકાશદાસ સ્વામીના વ્યાસપીઠે આયોજિત ’ શ્રી હનુમાન ચાલીસા યુવા કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસે રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 153 યજમાનોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી 551 પોથીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ વાજતે-ગાજતે પોથીયાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ યાત્રા વિરાણી હાઈસ્કૂલથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, રેસકોર્સ સર્કલ અને કિસાનપરા ચોક થઈને કથા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશી હતી. પોથીયાત્રામાં ગજરાજ (હાથી), અશ્વો અને વિન્ટેજ કારોએ લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. અનેક બાળકો હનુમાનજીના વેશમાં સજ્જ થઈને જોડાયા હતા, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રામાં અઘોરી નૃત્ય અને સિદ્દીબાદશાહ નૃત્યની ટીમોએ પોતાની કલા રજૂ કરી વાતાવરણમાં ઉત્સાહ ભર્યો હતો. ડી.જે. અને બેન્ડવાજાના તાલે 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી'ના નાદથી સમગ્ર રૂટ ગુંજી ઉઠ્યો હતો.





















