જસદણ પ્રાંત અધિકારીનો તઘલખી પરિપત્ર રદ, શિક્ષકોને VIPના ભોજનની સોંપી હતી જવાબદારી
હવે જસદણ પ્રાંત અધિકારીને તઘલખી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકોને VIPની સેવાની કામગીરીનો પરિપત્ર રદ્દ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો

જસદણના નાયબ કલેકટરે જાહેર કરેલા પરિપત્રને રદ્દ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપી હતી. હવે જસદણ પ્રાંત અધિકારીને તઘલખી પરિપત્ર રદ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. શિક્ષકોને VIP સેવાની કામગીરીનો પરિપત્ર રદ્દ કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોને વધુ કામગીરીનો બોજ આપતો પરિપત્ર તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો હતો. શિક્ષકોને મેળામાં VIP ભોજનની કામગીરી સોંપવામાં આવી હતી.
જસદણ નાયબ કલેક્ટર પર મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ થયા હતા. પાનસેરિયાએ કહ્યું હતું કે શિક્ષણ વિભાગને વિશ્વાસમાં લીધા વગર આ પરિપત્ર જાહેર થઈ શકે નહીં. શિક્ષણ સચિવને આ પરિપત્ર રદ કરવા સૂચના આપી છે. શિક્ષણના ભોગે કોઈ કામગીરી થઈ શકે નહીં. શાળા કાર્ય બાદ શિક્ષકો સ્વેચ્છાએ જઈ શકે પણ આદેશ કરી શકાય નહીં. આગામી સમયમાં આવા પરિપત્ર વહીવટી પ્રશાસન ન કરે તેની સૂચના આપીશું. આ પરિપત્ર પણ તાત્કાલિક રદ કરીએ છીએ.
નોંધનીય છે કે જસદણના નાયબ કલેકટરે શિક્ષકોને ડાયરા, મેળા, VVIPના ભોજનની જવાબદારી સોંપતો પરિપત્ર જાહેર કર્યો હતો. તિર્થધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં VVIP અને ભક્તો ઉમટી પડે છે. આ દરમિયાન લોકમેળો, ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત મંદિર ખાતે ભંડારા સહિતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જસદણના 30 શિક્ષક અને તાલુકા શિક્ષણાધિકારીને દર્શનાર્થીઓના ભોજનની જવાબદારી સોંપાઈ હતી. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન 30 શિક્ષકને સ્થળ પર હાજર રહેવા હુકમ કરાયો હતો.
જોકે abp અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં પ્રાંત અધિકારી રાહુલ કુમારે કહ્યું હતું કે જે સ્વૈચ્છિક રીતે સેવા આપવા તૈયાર હોય તેમને જ કામગીરીની વહેચણી કરાઇ છે. શાળાના સમય પછીના કલાકોમાં અનુકૂળતા મુજબ જવાબદારી નિભાવશે. શૈક્ષણિક કાર્યને કોઈ અસર નહી થાય તેવો પ્રાંત અધિકારીએ દાવો કર્યો હતો. આ ઘણા વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે. શિક્ષકો સામે ચાલીને સેવા માટે આવ્યા છે. અમે કોઈને દબાણ કર્યું નથી.
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘે પરિપત્રનો વિરોધ કર્યો હતો. તાત્કાલિક પરિપત્ર રદ કરવાની માંગ ઉઠી હતી. શૈક્ષિક સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલે કહ્યું હતું કે આવા પરિપત્ર સામે આંદોલન કરવું પડશે તો કરીશું. ગઈકાલે જ અમારા ધ્યાન પર આ વિષય આવ્યો છે. આ પરિપત્રથી બાળકોના અભ્યાસ પર અસર થશે. આવા બિનજરૂરી પરિપત્ર ન કરવા ભીખાભાઈ પટેલે માંગ કરી હતી.





















