Vijay Rupani: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના કરાશે અંતિમ સંસ્કાર
Vijay Rupani death news: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

Vijay Rupani death news: રાજકીય સન્માન સાથે આજે સાંજે રાજકોટમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે 11 વાગ્યે પરિવારને પાર્થિવદેહ સોંપાશે. તો સાંજે 4થી 5 વાગ્યા સુધી અંતિમ દર્શન કરી શકાશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ સોમવાર, 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
- સવારે11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
- સવારે11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહ પરિવારને સોંપાશે. સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી એરપોર્ટ જવા રવાના થશે.
- બપોરે12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
- બપોરે2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
- બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
- સાંજે4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
- સાંજે5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
- સાંજે6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.





















