સુરત શહેરમાં નવા 4 પોલીસ સ્ટેશન તૈયાર, આગામી અઠવાડીયામાં ચારેય પોલીસ મથકોનું લોકાર્પણ થશે
Surat News : આ નવા ચાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ માટે સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગૃહ મંત્રાલયના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે.
SURAT : સુરત શહેરમાં નવા 4 પોલીસ સ્ટેશન તૈયાર થઇ ગયા છે અને આગામી અઠવાડીયામાં આ ચારેય પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. આગામી અઠવાડિયામાં શહેરમાં એક સાથે ચાર પોલીસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યા છે. આ પોલીસ સ્ટેશન શરૂ થવાથી પોલીસને કાયડો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં પણ બહુ આસાની રહેશે.બીજી તરફ લોકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને લોકોને ન્યાય મેળવવામાં પણ સરળતા રહેશે. લોકોના જાનમાલની સુરક્ષા માટે નવા પોલીસ સ્ટેશન શરૂ કરાઈ રહ્યા છે. આ નવા ચાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ માટે સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગૃહ મંત્રાલયના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે.
આ ચાર નવા પોલીસ સ્ટેશન તૈયાર
સુરતના મોટા અને વધુ ગુનાખોરીવાળા પોલીસ સ્ટેશનો પૈકીના ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી કેટલોક વિસ્તાર અલગ તારવીને અલથાણ પોલીસ સ્ટેશન શરૂ કરાશે. તેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે.
પુણા પોલીસ સ્ટેશનમાંથી અમુક વિસ્તાર અલગ તારવીને સારોલી નવું પોલીસ સ્ટેશન શરૂ કરાશે. અમરોલીમાંથી ઉત્રાણ પોલીસ સ્ટેશન શરૂ કરાશે તેવી જ રીતે અડાજણમાંથી પાલ પોલીસ સ્ટેશન અલગ કરાશે.
અલથાણ પોલીસ સ્ટેશનમાંથી જુના ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી અને ઉત્રાણમાં જુના અમરોલીમાંથી વિસ્તાર જશે પરંતુ પુણામાંથી છુટા પડેલા સારોલી પોલીસ સ્ટેશનમાં સરથાણાની હદમાં આવતું સણિયા હેમાદ ગામ અને તેની ચેક પોસ્ટ જશે.
આ ચાર પોલીસ સ્ટેશન શરૂ કરાયા બાદ વધુ એક પોલીસ સ્ટેશન વેસુમાં શરૂ કરાશે. જેમાં ઉમરાનો અમુક વિસ્તારનો સમાવેશ કરાશે.
રેપ વિથ મર્ડર કેસમાં 15 દિવસમાં જ રજુ કરવામાં આવી ચાર્જશીટ
14 એપ્રિલના રોજ સુરતમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેની દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની હત્યા કરવામાં આવી. હવે બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસે ઝડપી કામગીરી કરી છે. ઘટનાના 15 દિવસમાં જ પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા સહિત 55 જેટલા સાક્ષીઓના નિવેદનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ચાર્જફ્રેમ કર્યા બાદ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરાશે.