ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગાણાતા ઉમરપાડામાં બે કલાકમાં વરસેલા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સુરત: સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગાણાતા ઉમરપાડામાં બે કલાકમાં વરસેલા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરપાડા તાલુકામાં વરસેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. ઉમરપાડાથી ઉચવણને જોડતા કોઝ વે પર વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં મોપેડ તણાતા બચી હતી. મોપેડ પર સામાન લઈને ચાલક કોઝવે પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે જ પાણીના પ્રવાહમાં મોપેડ તણાવા લાગ્યુ હતુ. જો કે સ્થાનિકોએ તાત્કાલિક મદદે આવીને મોપેડને તણાતા બચાવી લીધુ હતું.
આ તરફ ચિતલદા-ગોંડલીયા કોઝે વે પર પાણી ફરી વળ્યા છે. વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા કોઝ વે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા ચિતલદા અને ગોંડલીયા ગામ વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો. જેથી બંન્ને ગામના લોકો લાંબો ચકરાવો ફરીને જવા મજબુર બન્યા છે. લો લેવલ કોઝવેને બદલે બેરલ બ્રિજ બનાવવાની ગ્રામજનોની માગ છે.
સુરત જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયેલો છે. આજે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઉમરપાડાના બજારો અને રસ્તાઓ જળમગ્ન થઈ હતા.
સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં જ નોંધાય છે. ઉમરપાડા તાલુકાના મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર છે. હાલ વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે. હેરણ નદી અને કરા નદીમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા.
રાજ્યમાં 85 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.





















