SURAT : જોડિયા બાળકોને તરછોડીને ગયેલી માતા પરત ફરી, પૂછપરછમાં ચોંકાવનારી બાબત સામે આવી
Surat News :બુધવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ થયા બાદ ગુરુવારે સવારે નિષ્ઠુર જનેતા નવજાત જોડિયા બાળક અને બાળકીને ત્યજી ભાગી છૂટતા ચકચાર મચી ગઈ હતી.
Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને તરછોડીને ગયેલી માતા પરત ફરતા હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બુધવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ થયા બાદ ગુરુવારે સવારે નિષ્ઠુર જનેતા નવજાત જોડિયા બાળક અને બાળકીને ત્યજી ભાગી છૂટતા ચકચાર મચી ગઈ હતી.
ખટોદરા પોલીસે ફૂલ જેવા એક દિવસનાં બાળકોને ત્યજી દેનારી માતાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.અડાજણ સ્થિત હરિચંપા ઝૂંપડપટ્ટીમાં રહેતી રેણુ મહેશભાઈ નામની મહિલા નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થઈ હતી. બુધવારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેણીએ એક બાળક અને બાળકીને જન્મ આપ્યો હતો. બાળકનું વજન ફક્ત 1.4 કિલોગ્રામ હોય તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. જ્યારે બાળકીનું વજન 1.9 કિલો ગ્રામ હોય તેણીને માતા રેણુ સાથે રાખવામાં આવી હતી.
ગુરુવારે સવારે એનઆઈસીયુ વોર્ડના તબીબો બાળકને સ્તનપાન કરાવવા માટે રેણુને શોધવા ગયા હતા ત્યારે રેણુ વોર્ડમાં મળી નહોતી. રેણુ જ્યાં રોકાઈ હતી ત્યાં ફક્ત તેણીની નવજાત બાળકી હતી. ડોક્ટરો સહિતના સ્ટાફે રેણુની શોધખોળ કરી હતી, પરંતુ તેણીની ક્યાંય ભાળ નહીં મળતા એનઆઈસીયુ વોર્ડના ડો. જીજ્ઞેશ મકવાણાએ સિવિલની પોલીસચોકીમાં આવી આ મામલે જાણ કરી હતી. જેને પગલે ખટોદરા પોલીસ મથકના પીએસઆઈ એમ. એન. પરમારે તપાસ શરૂ કરી હતી
જેમા આજે સવારે 11 કલાકે માતા ખુદ નવીસીવીલ હોસ્પિટલમાં પહોંચી હતી.નવીસીવીલ હોસ્પિટલના RMO કેતન નાયક અને નર્સિંગ પ્રમુખ ઇકબાલ કડીવાળાએ માતાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને માતાને પૂછવામાં આવતા તે ઘરે નાહવા માટે ગઈ હોવાનું જણાવ્યું હતું.
સુરતની આ બેંકમાં ધોળા દિવસે બંદૂકની અણીએ લાખોની લૂંટ
સુરત શહેરના કડોદરા ચાર રસ્તા ઉપર આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે 7 લાખની લૂંટ કરવામાં આવી છે. તમંચાની અણીએ કડોદરા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગ્રાહક બનીને આવેલા એક બુકનીધારીએ 7 જેટલા કર્મચારીને બંધક બનાવી લૂંટ ચલાવી છે. બેંકમાંથી કેશિયર પાસેથી 7 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, લૂંટારૂ પાસે નકલી બંદૂક હોવાની પોલીસને શંકા છે. હાલમાં કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.