Accident: નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવરનું મોત
Navsari News: પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
Navsari ST Bus Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત થયું હતું. નવસારીના ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી બસના ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એની તબીબો સાથે ચર્ચા કરી સૂચના આપી હતી.
સુરતના નેશનલ હાઇવે 48 પર માંગરોળના નંદાવ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. મુંબઈ થી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. નંદાવ બ્રીજ પર મોડી રાતે હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ભટકાયો હતો. જિલ્લા ટ્રાફિકની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ભારે જહેમત બાદ કેબિન તોડી બહાર કાઢ્યો હતો, જે બાદ તેનું મોત થયું હતું.
સોમવારે દાહોદમાં બે એસટી વચ્ચે અકસ્માત થયો હતો. ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે એસટી બસને અકસ્માત નડ્યો હતો. વેલપુરા ગામે બંને એસ ટી બસો સામે સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. એસ ટી બસ ના ચાલક સહિત 20 થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એસટી બસના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. અન્ય ઘાયલોને સારવાર માટે ઝાલોદ હોસ્પિટલ ખસેડાયા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના વટવા ગામડી ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં ટ્રકના ચાલકે કારને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે કાર થાંભલા સાથે અથડાઇ હતી. જેથી યુવકને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ સગીરને ગંભીર ઇજાઓ થતાં હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
Join Our Official Telegram Channel: