Rescue: સુરતમાં મહિલા 25 ફૂટ ઉંડા ભૂવામાં પડી, જુઓ ફાયર વિભાગે કરેલા દિલધડક રેસ્ક્યુનો વીડિયો
સુરત: રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, અનેક જગ્યાએ ભૂવા પડવાની પણ ઘટના સામે આવી છે. આવી ઘટના સુરતમાં સામે આવી છે
સુરત: રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, અનેક જગ્યાએ ભૂવા પડવાની પણ ઘટના સામે આવી છે. આવી ઘટના સુરતમાં સામે આવી છે. અહીં કામરેજના આંબોલી ગામે વૃદ્ધ મહિલા ઘરે પડેલા ભૂવામાં પડી ગઈ હતી. સવારના મળસ્કે બાથરૂમમાં જઈ રહ્યા હતા તે દરમિયાન વૃદ્ધ મહિલા ૨૫ ફૂટ ઊંડા ભૂવામાં પડી ગયા હતા. ગતરોજ રાત્રીના વરસેલા ભારે વરસાદને કારણે ઘરે બનાવેલ ખાળકુવાની બાજુમાં ભૂવો પડી ગયો હતો. ત્યાર બાદ કામરેજ ફાયર વિભાગની ટીમે કપિલા બેન ઠાકરશીભાઈ રામાનંદી નામના મહિલાનું રેસ્કયુ કર્યું હતું. ફાયર જવાનોએ મહિલાને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું
આજે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નિકળ્યા છે. ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી જગતના નાથની રથયાત્રા પર વરુણ દેવે અમી છાંટણા કર્યા છે. આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદની વાત કરીએ તો આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિકળી છે ત્યારે શહેરના ખાડીયા, સરસપુર અને કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું છે. પોરબંદર શહેરમાં ધીમીધારે વરસાદ નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરના કમલબાગ, છાયા, બોખીરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨ કલાકથી ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. 24 કલાકમાં વરસ્યો 8 ઇંચ વરસાદ નોંધાયો છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. જેથી ગઈકાલથી વાહનની અવરજવર માટે રોડ બંધ કરાયો છે. સુરત જિલ્લામાં ગઈકાલથી વરસતા ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા છે. માંડવીના મુઝલાવથી બોધાનને જોડતો વાવીયા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે થોડા વરસાદમાં જ આ પુલિયુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ અંગે ગ્રામજનો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.
નવસારી જિલ્લાઓમાં રાત્રી સમયે વરસાદી માહોલ છવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મોડી રાત્રે નવસારી શહેરમાં ૧ ઇંચ વરસદા નોંધાયો છે. સાથે જ જલાલપોર દોઢ ઇંચ અને ચીખલીમાં 15, mm વરસાદ પડ્યો છે.
મહિસાગરના લુણાવાડા શહેરમાં વરસાદનું આગમન થયું છે. અષાઢી બીજના દિવસે વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વડોદરાના વાઘોડિયા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પુન: પધરામણી કરી છે. ગાજવીજ અને તોફાની પવન સાથે વહેલી સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. વહેલી સવારે બે કલાક સારો વરસાદ વરસતા વાઘોડિયાના રોડ, રસ્તા, શેરીઓ અને બજારો પાણી પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા છે. છેલ્લા કેટલાક સમયથી વાધોડિયામા ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહો જોતા હતા. વાઘોડિા પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.