Video: સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી, ચા-નાસ્તાથી શરૂ થઈ....
Surat BJP office fight: સુરતમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરના સમયે બે કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાથી સમગ્ર રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

Surat BJP office fight: ગુજરાત ભાજપના આંતરિક વિખવાદો સુરત કાર્યાલયમાં સપાટી પર આવ્યા છે, જ્યાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. વિવાદની શરૂઆત ચા-નાસ્તા બાબતે થઈ હતી, જે બાદ કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર બનતા દિનેશ સાવલિયાએ જાહેરમાં શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. આ ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે બની હતી, જેના પગલે અન્ય હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શહેર પ્રમુખ પરેશ પટેલે બંનેને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે, સાથે જ કસૂરવાર જણાશે તો કડક શિસ્તભંગનાં પગલાં લેવાની ખાતરી આપી છે.
ચા-નાસ્તાની બોલાચાલી મારામારીમાં પરિણમી
સુરતમાં આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરના સમયે બે કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાથી સમગ્ર રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગતો મુજબ, કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે, તેમની પટાવાળા સાથે ચા-નાસ્તા બાબતે થોડી બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી અંગે પટાવાળાએ કાર્યાલયના ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી.
આ જાણકારી મળતા જ ખજાનચી શૈલેષ જરીવાલાએ અચાનક દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, ખજાનચી જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કો માર્યો. આ દરમિયાન શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને એવું પણ કહી દીધું કે, "હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર." આ શબ્દો સાંભળતા જ દિનેશ સાવલિયાનો પિત્તો છટક્યો અને તેઓએ તાત્કાલિક શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી#bjp #suratbjp pic.twitter.com/3B7fJEtPV2
— ABP Asmita (@abpasmitatv) October 8, 2025
કાર્યાલયમાં સન્નાટો: શિસ્તભંગનાં પગલાંની તૈયારી
આ સમગ્ર ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. આ ઝઘડાને ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોઈ રહ્યા હતા અને આ અણધાર્યા હુમલાથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીની છબીને મોટું નુકસાન થયું છે.
આ મામલે શહેર પ્રમુખ પરેશ પટેલે તાત્કાલિક પગલાં લીધાં છે. તેમણે સત્તાવાર રીતે જણાવ્યું કે, શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને આ ગંભીર કૃત્ય બદલ નોટિસ આપવામાં આવી છે. બંને કાર્યકર્તાઓએ ત્રણ દિવસની અંદર આ મામલે લેખિત જવાબ આપવો પડશે. પરેશ પટેલે ખાતરી આપી છે કે જો તપાસમાં બંને કસૂરવાર સાબિત થશે, તો પક્ષ દ્વારા તેમની સામે કડક શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે, કાર્યકર્તા દિનેશ સાવલિયાનું અગાઉ પણ ભાજપ કાર્યાલય પર અનેકવાર વિવાદિત વર્તન રહ્યું હોવાનું સામે આવ્યું છે. અગાઉના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પણ દિનેશ સાવલિયાના વર્તન અંગે લગભગ 4 વખત ફરિયાદો મળી હતી.




















