Driver Strike: સુરતમાં હિટ એન્ડ રન કાયદાનો વિરોધ, ત્રણ દિવસ માટે 1000 બસો બંધ, BRTS-સીટી બસના ડ્રાઇવરો હડતાળમાં જોડાયા
કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધના પડઘા ગુજરાતમાં પણ પડવા લાગ્યા છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઇવરોની હડતાળ જોવા મળી રહી છે
Driver Strike: કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધના પડઘા ગુજરાતમાં પણ પડવા લાગ્યા છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઇવરોની હડતાળ જોવા મળી રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં સુરતના બીઆરટીએસ ડ્રાઇવરો પણ જોડાયા છે. બીઆરટીએસ અને સીટી બસ ડ્રાઇવરોએ ત્રણ દિવસ માટે હડતાળ જાહેર કરી જેના કારણે શહેરમાં 1000 બસોનો પૈડાં થંભી જશે. હડતાળના પગલે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડવાનું નક્કી છે.
મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારથી રાજ્યમાં કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ઉતર્યા છે. નવા અકસ્માત કાયદાના વિરોધમાં સુરતમાં આજથી BRTS અને સીટી બસ ચાલકો હડતાળમાં જોડાયા છે, આજથી ત્રણ દિવસ સુધી શહેરમાં 1000થી વધુ બસો બંધ રહેશે, આ પછી ડ્રાઇવરો આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ હડતાળના કારણે શહેરમાં મુસાફરોને મોટી હાલાકી પડશે.
નવા કાયદા મુજબ હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઇવરોને 10 વર્ષ સજાની જોગવાઇ અને સાથે લાખોના દંડ છે. જેનો પુરજોશમાં વિરોધ ચાલી રહ્યો છે. ડ્રાઇવરોની માંગ છે કે, આ હિટ એન્ડ રન અકસ્માતનો કાયદો પાછો ખેંચવામાં આવે.
આજે મહેસાણા જિલ્લામાં ટ્રક ડ્રાઇવરની હડતાળમાં મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરો જોડાયા હતા. હિટ એન્ડ રનના કાયદાનો અહીં પણ જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાની ખેરાલુની વંદાવન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવરે ચક્કાજામ કર્યુ હતુ, અહીં રૉડ પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયુ હતુ. હડતાળના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને કોડીનાર હાઇવે પર પ્રાચી નજીકના હાઇવે રૉડ પર ટ્રકોનો મોટો ખડકલો જોવા મળ્યો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઇવર વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રક ડ્રાઇવરોએ વિરોધની સાથે સાથે ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવ્યાં હતા.