Gujarat Corona : મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના કેસોને લઈને શું વ્યક્ત કરી ચિંતા? જાણો શું કરી મોટી વાત?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હજી પણ કેસ વધશે તેવું લાગે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, તેનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. દરરોજ ૪ લાખથી વધુ લોકોનું રસી કરણ થઈ રહ્યું છે. ૭૦ લાખને રસી આપવામાં આવી છે અને હજી રસીકરણ ઝડપી કરીશું.
સુરતઃ ગુજરાતમાં કોરોનાએ (Gujarat Corona) ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. સુરતમાં કોરોના (Surat Corona) ની સ્થિતિ વિકટ થતાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) સુરત દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં સુરતની સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વધ્યો છે . ૪ મનપા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. બીજા જીલ્લામાં પણ પરિસ્થિતિ બગડી રહી છે. એક વર્ષથી આપણે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હજી પણ કેસ વધશે તેવું લાગે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, તેનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. દરરોજ ૪ લાખથી વધુ લોકોનું રસી કરણ થઈ રહ્યું છે. ૭૦ લાખને રસી આપવામાં આવી છે અને હજી રસીકરણ ઝડપી કરીશું.
તેમણે રસી બધા લગાવે તેવી લોકોને અપીલ છે. સાથે સાથે માસ્ક પણ લોકો ફરજિયાત પહેરે, જે લોકો માસ્ક સરખુ પહેરે તેવા બે ટકા લોકો જ સંક્રમિત થાય છે. માસ્ક સરખુ ન પહેરનાર વધુ સંક્રમિત થઈ રહ્યા છે. દૈનિક ૧.૨૦ લાખ લોકોનું ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ. ૧૦૪ની સેવા ઝડપી કરી રહ્યા છીએ . સંજીવની રથ પણ આપણે વધારી રહ્યા છીએ.
ગુજરાતમાં કોરોના(Gujarat Corona) ના કેસો ધડાઘડ વધી રહ્યા છે અને કોરોનાના કારણે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે ત્યારે ગુજરાત હઈકોર્ટે (Gujarat HC) રાજ્યમાં લોકડાઉન (Lockdown) લાદવી પડે એવી સ્થિતી હોવાનું ગંભીર અવલોકન કર્યું છે. હાઈકોર્ટે તો રાજ્યમાં ત્રણ-ચાર દિવસ માટે કરફ્યુ લાદવા અને વીક-એન્ડ એટલે કે શનિવાર અને રવિવારે કરફ્યુ લાદવા અંગે વિચારવા માટે પણ રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
આ અંગે સુરત ખાતે પત્રકાર પરીષદમાં પ્રશ્ન પૂછાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે કરેલા નિર્દેશ મુદ્દે ચેનલો દ્વારા ખબર પડી છે. અમારા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી (Kamal Trivedi) સાથે પણ વાત થઈ છે. તેમના તરફથી રિપોર્ટ મળ્યા પછી કોર ગ્રૂપની મીટિંગમાં ચર્ચા કરીને પછી યોગ્ય નિર્ણય કરીશું. અત્યારે કંઈ કહી શકાય એમ નથી.
ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોરને ગંભીરતાથી લઈને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હાઇકોર્ટનાં અવલોકનનો અભ્યાસ કરશે અને અવલોકન તથા ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વાર નિર્ણય લેવાશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના અવલોકન અંગે વિસ્તૃત ચર્ચા કરીને પછી નિર્ણય કરાશે.
બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના અવલોકનના પગલે ગુજરાતમાં ફરી લોકડાઉન લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં ગયા સપ્તાહે પણ રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં નહીં આવે એવું સ્પષ્ટ કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું.
મંગળવારે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટનું અવલોકન અત્યંત ગંભીર છે અને વિજય રૂપાણી સરકાર આ અવલોકનને ધ્યાને લઈને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો શરૂ થઈ છે.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છ. હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાને રોકી શકાય.