Gujarat: રાજ્યમાં રોગચાળો વર્ક્યો, સુરતમાં 33ના મોતથી હાહાકાર, હોસ્પિટલો હાઉસફૂલ
Surat: સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત છે
Surat: સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત છે. રોગચાળાના કારણે વધુ બે લોકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોડાદરા અને અમરોલીના બે લોકોને તાવની ફરિયાદ બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે બંન્નેનું ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. આ બંને દર્દીઓના મૃત્યુ સાથે સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનમાં રોગચાળામાં કુલ મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. તો હજુ પણ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફૂલ છે.
ફક્ત સુરત જ નહી પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં એક જ અઠવાડિયામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓની હાઉસફૂલ થઈ રહી છે. તો મનપાએ પણ તકેદારીના ભાગરૂપે જે વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે ત્યાં ફોગિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં એક જ અઠવાડિયામાં ત્રણ ગણો વધારો થયો હતો. તારીખ 14 થી 20 સુધીમાં મચ્છરજન્ય રોગના આઠ કેસ નોંધાયા હતા. મહાનગરપાલિકાના ચોપડે ડેંગ્યુના 2, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા હતા. રાજકોટની ખાનગી હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. 15 દિવસથી વરસાદે વિરામ લીધો છતાં મચ્છરજન્ય રોગચાળો યથાવત છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા આઠ મહિનામાં દૂષિત પાણીને લીધે કોલેરા, ટાઈફોઈડ સહિત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 18 કેસ નોંધાયા છે. છેલ્લા 8 મહિનામાં ટાઈફોઈડ, કોલેરા અને કમળા સહિતના પાણીજન્ય રોગચાળાના 8152 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલના આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપૂરીની લારીથી લઇને અન્ય ખાદ્યપદાર્થના વેપારીઓ સામે અસરકાર કામગીરી ન કરતાં રોગચાળો સતત વકર્યો છે. પાણી ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે કે બેક્ટેરિયાની હાજરી હોવાથી લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે.
કચ્છમાં તૈયાર છાશ પીનારા 600 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કચ્છમાં દહીં અને છાશ થકી જ લોકોને ડાયેરિયા થયા હોવાનું સામે આવ્યું છે. દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા બનાવનાર કંપનીએ બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો છે. તપાસતા સામે આવ્યું કે તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા હતા.