Cyclone Biparjoy: સુરતમાં વાવાઝોડાની અસરઃ ભારે પવનથી બેનરો, પતરા ઉડતાં લોકોમાં ભયનો માહોલ
Surat News: સુરતમાં બીપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો. જેના કારણે પબ્લિસિટીના બેનરો અને પતરા ઉડ્યા હતા
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડુ અતિ ગંભીર તોફાની વાવાઝોડુંની કેટેગરીમાં ફેરવાઈ ચૂક્યું છે. ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 'બિપરજોય' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયો ગાંડોતૂર બન્યો છે અને ભારે પવન ફૂંકાય રહ્યો છે. સુરતમાં બીપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો. જેના કારણે પબ્લિસિટીના બેનરો અને પતરા ઉડ્યા હતા. ભારે પવનના કારણે બેનરો ઉડતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાના નવા ટ્રેક અનુસાર, વાવાઝોડુ બિપરજોય ફક્ત કચ્છ જ નહી પરંતુ રાજ્યના અન્ય ત્રણ જિલ્લાને પણ ઘમરોળશે. કચ્છ, દ્વારકા, પોરબંદર વાવાઝોડાની ઝપેટમાં આવશે. આ જિલ્લામાં સૌથી વધુ અસર થશે. જામનગર અને મોરબી જિલ્લામાં પણ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળશે. કંડલા પોર્ટ, ઓખા અને નવલખીમાં તેની અસર થશે.
વાવાઝોડાને લઈને પોરબંદરમાં NDRFની ટીમ એક્શનમાં જોવા મળી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની ટીમે નિરીક્ષણ કર્યું હતું. નીચાણવાળા વિસ્તારોની સમીક્ષા કરાઈ રહી છે. 15 જૂને સવારે ગુજરાતના તટને વાવાઝોડુ ટકરાશે. વાવાઝોડુ 7 કિ.મીની ઝડપે આગળ વધી રહ્યું છે.
કચ્છના કંડલા બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું હતું. કડલાં પોર્ટ આસપાસ રહેલા લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. 10 નંબરનું સિગ્નલ લાગતા જ લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. કંડલાથી સ્થળાંતર કરી લોકોને ગાંધીધામની ગોપાલપુરી સોસાયટીમાં લઈ જવાશે.
કચ્છમાં સ્કૂલ-કોલેજ ત્રણ દિવસ બંધ રહેશે
વાવાઝોડાને પગે કચ્છના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો. કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે. તે સિવાય ચક્રવાત બિપરજોય સંભવિત કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે. જેને પગલે કચ્છના બે યાત્રાધામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આગામી 15 જૂન સુધી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મંદિર બંધ રહેશે.
વાવાઝોડાને લઈને કચ્છ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને લઈને કચ્છના તમામ મામલતદાર અને ગામના સરપંચો સાથે સંપર્કમાં છીએ. દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના તમામ બંદરો ઉપર કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.