સુરતના હીરા ઉદ્યોગકારો માટે મોટા સમાચાર, રફ હીરાના ઈમ્પોર્ટમાં થયો વધારો
પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં વધારો થયો છે તો રફ હીરાનું ઈમ્પોર્ટ પણ વધ્યું છે

નવું વર્ષ સુરતના હીરા ઉદ્યોગકારો માટે સારા સમાચાર લઇને આવ્યું છે. મળતી જાણકારી અનુસાર પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં વધારો થયો છે તો રફ હીરાનું ઈમ્પોર્ટ પણ વધ્યું છે. નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટ અને ઈમ્પોર્ટમાં વધારો થયો છે.
નવું વર્ષ અને વેલેન્ટાઈન ડેને લઈ પાતળી સાઈઝના હીરાની ડિમાન્ડ વધી છે. જેને લઈ નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો જોવા મળ્યો હતો. રફ હીરાનું ઈમ્પોર્ટ વધવા પાછળના કારણો જોઈએ તો દિવાળી પહેલાં મોટાભાગના ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદી બંધ રાખી હતી. જે સ્ટોક તેમની પાસે પડ્યો હતો તે પૂર્ણ થતાં કારખાના શરૂ થતાની સાથે જ રફ હીરાની ખરીદી વધી છે. તો ડી-બિયર્સ અને અલરોસા જેવી માઈનિંગ કંપનીએ રફ હીરાના ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો પણ કર્યો છે. જેને લઈ ઉદ્યોગકારોએ રફ હીરાનું ઈમ્પોર્ટ વધાર્યું છે.
નોંધનીય છે કે સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી જોવા મળી રહી હતી. રત્નકલાકારોને રોજીરોટી મળી રહે તે માટે 8 હજાર પૈકી 65 ટકા કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ અને પોલિશિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ પહેલાં લેબગ્રોનના માત્ર સાડા ત્રણસો કારખાના હતા. જે વધીને હાલ 5 હજાર,200થી વધુ થઈ ગયા હતા. લેબગ્રોનની માંગ વધતાં માર્કેટ સ્ટેબલ રહેવાના અણસાર છે. સુરત શહેરમાં નાના-મોટા મળી અંદાજે 8 હજાર હીરાના કટ એન્ડ પોલિશના કારખાના છે. પાછલા 2 વર્ષમાં માંગમાં ઘટાડો થતાં લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. છેલ્લાં ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ છવાયેલુ છે. ખાસ કરીને રશિયા, યુક્રેન યુદ્ધ બાદ હમાસ અને પેલેસ્ટાઈનમાં યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોમાં ડાયમંડની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે. જેની અસર સુરત અને મુંબઈના હીરા માર્કેટમાં પડી રહી છે.





















