Navsari: ઔરંગા નદીમાં પૂર આવતાં ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ, 10 ગામો સંપર્ક વિહોણા
નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે.જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
નવસારીઃ ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે. જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યા થી 2 વાગ્યા સુધી રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમા સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 2.4 ઇંચ, આણંદના તારાપુર અને નવસારીના વાંસદામાં 2.1 ઇંચ, ડાંગના આહવા, વલસાડના વાપી, ડાંગના વઘઈમાં 2 ઈંચ, જૂનાગઢના માળિયામાં 1.9, નવસારીના ચિખલીમાં 1.8 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ, મોરબીમાં 1.7 ઇંચ, વલસાડ શહેર, ગીર સોમનાથના કોડીનારમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે.
26 જુલાઈએ અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, મહેસાણા , પાટણ સહીતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 જુલાઈએ ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ગીર સોનાથ, ભાવનગર સહીતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
જ્યારે 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 28 જુલાઈએ વધુ એક લો પ્રેશર સક્રિય થાય તેવી શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
Jamnagar Live Video : ભારે વરસાદ પછી નદીના પૂરમાં યુવક તણાયો
જામનગરઃ ગઈ કાલના ભારે વરસાદ દરમિયાન કાલાવડમાં યુવકના તણાવાનો એક વિડિયો સામે આવ્યો છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં યુવક તણાય રહ્યાનો વિડ્યો સામે આવ્યો છે. નદી કાંઠે રહેતા દેવીપૂજક પરિવારનો યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો.
નદીમાં એકાએક પૂર આવતા યુવક તણાયો હતો. સ્થાનિક લોકોએ ભારી જહેમત બાદ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
રાજકોટના ધોરાજી તાલુકાના મોટી મારડમાં ચારેય તરફ બસ પાણી જ પાણી છે. અહીં રવિવાર દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દસ ઈંચ વરસાદ વરસતા મોટી મારડ ગામના પાંચ તળાવો ઓવરફ્લો થયા છે. મેઈન તળાવ, પંચાયત પાસેનું તળાવ અને મારડીયાના માર્ગ પરનું તળાવ ઓવરફ્લો થયુ છે.
તો ધોધમાર વરસાદને લીધે ખેતરો પણ જળબંબાકાર થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું છે. તો પાણીના સ્તર પણ ઉંચા આવ્યા.