ગુજરાતના આ મોટા શહેરમાં ઓમિક્રોન’નો ખતરો, વિદેશથી આવેલા 351 લોકોને કરાયા ક્વોરેન્ટાઇન
કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે.ત્યારે કેંદ્રની સૂચના બાદ પ્રશાસન પણ એલર્ટ થયું છે.છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે.
સુરતઃ કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે. ત્યારે કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આપવવાનો બાકી છે.
અન્ય મુસાફરોના આરટી પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જિનોમ સિક્વસિંગ કરવામાં આવશે. રવિવારે સુરત એયરપોર્ટ પર 391 મુસાફરોના આરટીપીસીઆર થયા હતા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 93ના રિપોર્ટ પેન્ડિંગ છે. એટલુ જ નહી કેંદ્રની સૂચના બાદ સુરત મનપાએ વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવ્યા હોઈ થવા કોરોના પોઝિટીવ હોઈ તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા અપીલ કરી છે.
દુનિયાભરમાં ઓમિક્રોનનો ડર
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. દુનિયાભરની સરકારો આ વેરિએંટને નિયંત્રિત કરવા માટે આકરા પગલા ઉઠાવવા મજબુર બની છે. ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઈમરજંસી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનને અત્યંત ચિંતાજનક વેરિએંટ ગણાવ્યો છે અને તેનાથી મહામારી 2.0 વધવાનું જોખમ હોવાનું કહેવામાં આવ્યું છે. નિષ્ણાંતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઈમરજંસી જાહેર કરાઈ છે. બ્રિટનમાં શનિવારે ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા બાદ દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું છે. તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવામાં આવ્યા છે. વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે આરટી પીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું ફરજીયાત કરાયું છે. આ ઉપરાંત બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે.
બ્રિટન પછી જર્મની અને ઈટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે. યુરોપમાં બ્રિટન પછી જર્મની અને ઈટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આફ્રિકન દેશો મોઝામ્બિકથી ઈટલી પરત ફરેલ એક વ્યક્તિ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી છે. જર્મનીના મ્યુનિકના મેક્સ વોન પેટ્ટેનકોફર ઈંસ્ટિટ્યુટે પણ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા બે પ્રવાસીઓ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી કરી છે. નેધરલેંડ સ્વાસ્થ્ય વિભાગે 13 લોકો ઓમિક્રોન વેરિએંટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી કરી છે. દક્ષિણ આફિર્કાથી બે વિમાનમાં આવેલા પ્રવાસીઓને એમ્સ્ટર્ડેમમાં આઈસોલેશનમાં રખાયા છે. ઓસ્ટ્રેલિયામાં પણ બે દર્દીઓ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા છે. દુનિયાભરમાં ઓમિક્રોનને લઈને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે.