Surat: ઓનલાઈન સટ્ટો રમાડતી ગેંગ ઝડપાઈ, 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કડોદરા પોલીસે ઓનલાઈન સટ્ટો બેટિંગ રમાડતી ગેંગને ઝડપી પાડી છે. કડોદરા નગરપાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા.
સુરત: કડોદરા પોલીસે ઓનલાઈન સટ્ટો બેટિંગ રમાડતી ગેંગને ઝડપી પાડી છે. કડોદરા નગરપાલિકા પાછળ આવેલા ઠાકોરજી કોમ્પ્લેક્ષના એક ફ્લેટમાં કડોદરા પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન ફ્લેટમાં ગઈકાલે રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચ પર સટ્ટો રમાડતા 5 જેટલા લોકો મળી આવ્યા હતા.
આ તમામ આરોપીઓ ઓનલાઈન એપ્લિકેશન વડે આઈડી પાસવર્ડ આપી રાજ્યના અલગ-અલગ જિલ્લામાં સટ્ટો બેટિંગનું નેટવર્ક ચલાવી રહ્યા હતા, ફ્લેટ માંથી પોલીસને સટ્ટો બેટિંગ રમવા માટે ઉપયોગમાં લેવાતા 14 જેટલા મોબાઈલ, 2 ટેબ્લેટ , તેમજ 2 લેપટોપ અને આરોપીની એક ફોર વ્હિલર કાર પણ મળી આવી હતી , પોલીસે બટુક સોંનપાલ ,કુણાલ સોંનપાલ , જય રાણા ,પ્રતીક લોઢિયા ,પ્રવીણ ઢીમ્મર નામના આરોપીઓની ધરપકડ કરી હતી.
જ્યારે ઓનલાઈન સટ્ટો રમનારા નવસારી, સુરત શહેર, ગોંડલ સહિત અન્ય જિલ્લાના 30 જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે, પોલીસે 3 લાખ રોકડ અને અન્ય સામાન મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી, 9 લૂંટની ઘટના,ગુજરાત પોલીસે જાહેર કર્યા આંકડા
ગુજરાતમાં પોલીસ દ્વારા તહેવાર પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે. રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.
પાંચ વર્ષમાં પોલીસ ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં સફળ નથી રહી
જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં અસફળ રહી છે. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરી અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાં માત્ર 46,636 કેસ ઉકેલવામાં આવ્યા છે. 2020 અને 2021ના દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.
2018માં 14,170 ચોરીના કેસ નોંધાયા હતા જેમાંથી માત્ર 42 ટકા કેસ ઉકેલાયા હતા. જ્યારે 2023ના સપ્ટેમ્બર મહિના સુધીમાં 16,529 ચોરીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 50 ટકા જેટલા કેસ ઉકેલાયા છે. ઘરફોડ ચોરીઓ માટે ગુના ઉકેલવાનો દર 2018માં 39 ટકાથી 2023 માં 55 ટકાની વચ્ચે રહ્યો હતો.