Surat Kidnapping : અમદાવાદના શેર બજારના વેપારીના અપહરણ કેસમાં પોલીસે કર્યો મોટો ખુલાસો, જાણો વધુ વિગતો
સુરતના મોટા વરાછાના શેર બ્રોકરના અપહરણ કેસમાં અમદાવાદના 4 સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું.
સુરત: સુરતના મોટા વરાછાના શેર બ્રોકરના અપહરણ કેસમાં અમદાવાદના 4 સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટનામાં જુનાગઢમાં મકબૂલ 1.40 કરોડ, શાબીર 70 લાખ માંગતા હતા.
આ ઘટનાની સમગ્ર વિગતો જોઈએ તો અમદાવાદના શેરબ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીમાં 4 દિવસ પહેલા મોટા વરાછામાંથી તેના ભાગીદાર સહિત 10 જણાએ કારમાં અપહરણ કરવાના મામલે ઉત્રાણ પોલીસે રવિવારે સાંજે અમદાવાદથી સૂત્રધાર મકબૂલ સોલંકી, શાબીર સોલંકી ,રાજાખાન પઠાણ,સોહીલ ઉર્ફે ગટ્ટ તેમજ કામરેજથી ફીરોજ ગોગદા તથા તેનો ભાઈ ફારૂક ગોગદાને પકડી 4 ફોર વ્હીલ કબજે કરી છે.
પોલીસે સમગ્ર ઘટના અંગે આપી માહિતી
આ ઘટનામાં પોલીસ માહિતી આપતા જણાવ્યું હતું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને શાબીર સોલંકી જૂનાગઢમાં અમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો વ્યવસાય કરે છે. મકબૂલ સોલંકીએ શેરબ્રોકર શક્તિ ધડુક પાસેથી 1.40 કરોડ લેવાના હતા. આથી તેણે અન્ય આરોપીઓ સાથે શેરબ્રોકરનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી માર મારી 2.5 કરોડની માંગણી કરી હતી, જ્યારે શાબીર સોલંકીએ 70 લાખ લેવાના હતા. અમદાવાદમાં રહેતા શેરબ્રોકર શક્તિ ધડુકે 5 જણા પાસેથી 10 ટકા વ્યાજે 2.37 કરોડ રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું. શેરબજારમાં મોટું નુકસાન થતા લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો. 19 લાખની ઉઘરાણી કરતો મૌલીક અગ્રાવત હજુ ભાગતો ફરે છે. અગાઉ પોલીસે ભાગીદાર સહિત 3ની ધરપકડ કરી હતી.
વેપારીનું ધોળા દિવસે અપહરણ
સુરત શહેરમાં ધોળા દિવસે અપહરણની ઘટના સામે આવી હતી. અમદાવાદથી સુરત આવેલા શેરબજારના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઉત્રાણ પોલીસે આ ત્રણે આરોપીને કાર નંબરના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આરોપીઓ સફેદ રંગની કારમાં આવ્યા
આરોપીઓ સફેદ રંગની કારમાં આવ્યા હતા અને રસ્તામાં એક સાઈડ પર કાર ઊભી કરી વેપારીની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે કાર નજીક આવે છે ત્યારે આરોપી તેને દબોચી લે છે અને બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડવાનો પ્રયાસ કરે છે. વેપારી આ લોકોની ચુંગાલમાંથી બચવા માટે ધમપછાડા પણ કરે છે. પરંતુ તેને બળજબરીથી આ ત્રણેય આરોપીઓ કારમાં બેસાડી દે છે. 2.5 કરોડ રૂપિયાની લેતી દેતીમાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી.