મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
અમુલ બાદ હવે સુમુલ ડેરીએ છાસની કિંમતમાં વધારો કર્યો છે. સુમુલે પ્રતિ છાસની થેલીએ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા પહેલા છાશનો ભાવ 13 રૂપિયા હતો જે હવે 15 રૂપિયા કરવામાં આવ્યો છે.
સુરત: મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. અમુલ બાદ હવે સુમુલ ડેરીએ છાસની કિંમતમાં વધારો કર્યો છે. સુમુલે પ્રતિ છાની થેલીએ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારા પહેલા છાશનો ભાવ 13 રૂપિયા હતો જે હવે 15 રૂપિયા કરવામાં આવ્યો છે. આ અગાઉ અમુલ દ્વારા છાશના ભાવમાં વધારો કરાયો હતો. અમુલ અને સુમુલ છાશ હવે 15 રૂપિયામાં મળશે. આ નવા ભાવ આવતીકાલથી લાગુ થશે.
અમૂલ માર્ચમાં જ કર્યો હતો છાસ અને દહીમાં ભાવ વધારો. નવા ભાવ અનુસાર, અમૂલ જીરા છાશના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો હતો. તો અમૂલ મસ્તી દહીંના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલના દૂધ, દહીં અને છાશની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.
માર્ચમાં થયો હતો દૂધના ભાવમાં વધારો
શિવરાત્રીના આગલા દિવસે જ ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરતા દૂધાભિષેક કરતા ભાવિકોએ હવે 2 રૂપિયા વધુ ચૂકવવા પડ્યા હતા. આ નવો ભાવ વધારો 1 માર્ચ 2022થી અમલમાં આવ્યો હતો. 1 માર્ચથી અમૂલ ગોલ્ડની પ્રતિ બેગ ગ્રાહકોએ 30 રૂપિયા ચૂકવવા પડે છે. અમૂલ શક્તિના પ્રતિ થેલી ગ્રાહકોએ 27 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે અમૂલ તાજાની પ્રતિ બેગ ગ્રાહકોએ 24 રૂપિયા ચૂકવવા પડે છે. અમૂલ ફેડરેશનની યાદીમાં કહેવાયું છે કે ઉર્જા, પેકેજિંગ, લોજિસ્ટ્કિસ, પશુ આહાર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવ વધારો લાગુ કરાયો છે.
લીંબુએ દાંત કર્યા ખાટા
ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે લીંબુની માંગમાં પણ ઘણો વધારો થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ લીંબુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયો છે. ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 રૂપિયામાં મળે છે. દિલ્હીના માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. નોઈડામાં લીંબુ 240 રૂપિયાથી લઈને 280 રૂપિયા પ્રતિ કિલો સુધીની અલગ-અલગ કિંમતે વેચાઈ રહ્યું છે. કેટલાક દુકાનદારોનું કહેવું છે કે મંડીઓમાં જ લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ગયા અઠવાડિયે જે લીંબુ રૂ. 200 પ્રતિ કિલો વેચાતું હતું તે હવે રૂ. 250ને પાર કરી ગયું છે.