Surat: સુરતમાં જન્મદિવસની ઉજવણી માટે બોલાવી યુવકની કરાઇ હત્યા, એક વર્ષ અગાઉ થયા હતા પ્રેમલગ્ન
Surat: પાર્થ પરિણીત હોવાનું પરિવારે જણાવ્યું હતું. પાર્થને જન્મદિવસની ઉજવણી માટે બોલાવવામાં આવ્યો હતો
Surat: સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં નાનપુરા વિસ્તારમાં બર્થડે પાર્ટીમાં ગયેલા પાર્થ આહીરકર નામના યુવકની હત્યા કર્યાની ઘટના બની હતી. જન્મ દિવસની કેક કાપવાના બહાને બોલાવાયેલા પાર્થ આહીરકરની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પાર્થ પરિણીત હોવાનું પરિવારે જણાવ્યું હતું.
પાર્થના પિતા રમેશભાઈ આહીરકરે જણાવ્યું હતું કે પાર્થ પરિણીત છે. તેના એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા. તેની પત્નીને હાલમાં છ મહિનાનો ગર્ભ છે. બે સંતાનોમાં પાર્થ નાનો દીકરો હતો.
મિત્રોએ જણાવ્યું હતું કે પાર્થને જન્મદિવસની ઉજવણી માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ કેક કાપ્યા અગાઉ પાર્થ હુમલાખોર યુવક સાથે પાર્કિંગમાં વાતચીત કરી રહ્યો હતો. થોડીવાર પછી અચાનક હુમલાખોરે યુવક પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલા બાદ પાર્થ જમીન પર ઢળી પડ્યો હતો. દરમિયાન પાર્થના મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. પાર્થના મોતને પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગાયત્રી નગર સોસાયટીમા 2 મહિલાઓને મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે બે ટપોરી જેવા દેખાતા લોકો બે મહિલાઓને ઢોર માર મારી રહ્યા છે. હાલમાં બંન્ને મહિલાઓની સારવાર ચાલી રહી છે.
સુરત એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી. એસઓજી પોલીસને ચોક્ક્સ બાતમી મળી હતી કે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવધ ગામ પાસે એક શખ્સ પિસ્તોલ સાથે ફરી રહ્યો છે. જેના આધારે એસઓજી પોલીસે એક શખ્સ જેનું નામ અસ્લમ અયુબ શાહ (ઉંમર વર્ષ 26) ને પિસ્તોલ જેની કિંમત 25000 રૂપિયા થાય છે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની વિરુદ્ધધમાં આર્મ્સ એક્ટ અનુસંધાને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.