Surat Bank Robbery: સુરત બેંક ઓફ મહારાષ્ટ્ર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો, જાણો વધુ વિગતો
સુરત શહેરમાં સચિન વિસ્તાર ખાતે આવેલા વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લૂંટ કેસમાં અનેક ખુલાસા થયા છે. લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા.
સુરત: સુરત શહેરમાં સચિન વિસ્તાર ખાતે આવેલા વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલી લૂંટ કેસમાં અનેક ખુલાસા થયા છે. લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા. આ બાઈક ચોરીની હતી. લૂંટ કરવાના ઇરાદે આવેલા લુટારાઓ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારબાદ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા. પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષાથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સચિનના વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા. આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં જતા રહ્યા હતા. ત્યારબાદ રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટરુઓ સીસીટીવીમાં કેદ થયા હતા. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લૂંટારાઓને બાઈક આપનાર ઉના વિસ્તારના બે લોકો છે. જેમાંથી એકને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને બીજાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પૂછપરછ કરવામાં આવી હતી. સચિનના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં બનેલી લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે બેંકના એક પણ કર્મચારીઓએ લૂંટની ઘટના દરમિયાન પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તમામ કર્મચારીઓ લૂંટારાઓ સામે સરેન્ડર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો. બેંકની અંદર હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા. જેથી પોલીસ અનુમાન લગાવી રહી છે કે લૂંટારા હિન્દી ભાષી હોય શકે છે. યુપી કે બિહારના વતની હોવાના આધારે પણ પોલીસે તપાસ કરી રહી છે.
હથિયાર બતાવી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો
હેલ્મેટ અને મોઢે બુકાની બાંધીને આવેલા પાંચ લૂંટારુઓએ બેંકના ડેપ્યુટી મેનેજર, કેશિયર, પ્યુન અને સફાઈ કર્મચારીને હથિયાર બતાવીને અને ડરાવીને બાથરૂમમાં ગોંધી રાખ્યા હતા. એટલું જ નહીં ડ્રોવરમાંથી કેસ અને સેફ લોકરમાંથી મળી કુલ આશરે 14 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. આ ઘટના તમામ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે. જેના આધારે સચિન પોલીસ લૂંટારુઓને પકડવા માટે ટીમો બનાવી કામ કરી રહી છે. લૂંટની ઘટના બનતા જ સુરત શહેર સહિત જિલ્લામાં રેડ જાહેર કરવામાં આવ્યું હતું.