Surat: ગૃહમંત્રીના શહેરમાં જ હપ્તાખોરીનું દુષણ, ખુદ ભાજપ MLA મનુ પટેલે લગાવ્યા સનસનીખેજ આરોપો
ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આરોપ લગાવતા કહ્યું કે, સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે, અને આ કારણે લોકો પરેશાન છે
Surat: રાજ્યમાં સતત વધી રહેલી હપ્તાખોરીની ઘટનાઓ અંગે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સરકાર સામે બાંયો ચઢાવી છે. આજે સવારે સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ એક મીડિયા પ્રેસ કૉન્ફરન્સ કરીને સુરતમાં ચાલતા હપ્તાખોરીના કિસ્સાઓને લઇને સનસનીખેજ આરોપો લગાવ્યા છે.
ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે આરોપ લગાવતા કહ્યું કે, સુરતમાં હપ્તાખોરીના ધંધા ખુબ વધી ગયા છે, અને આ કારણે લોકો પરેશાન છે. મનુ પટેલે કહ્યું કે સુરતમાં ઉધના વિસ્તારમાં લૂંટ ચલાવતી ટોળકી સક્રિય છે, આ ટોળકી ટેક્સટાઈલ એકમોમાં કારીગરો પાસેથી હપ્તો ઉઘરાવી રહ્યાં છે. આમાં ખાસ કરીને નાની મોટી ગેંગ સક્રિય બની છે, અને કામદારોના પગાર થાય ત્યારે હપ્તા ઉઘરાવવાનું શરૂ કરી દે છે. આવી ગુનેગારોના કારણે કામદારોમાં ભયનો માહોલ છવાયો છે, તેમને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, આ ગુંડાગર્દી રોકવા પોલીસ ચોકી બનાવવી જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જે આવા હપ્તાખોરીના આરોપોથી રાજકીય માહોલ પણ ગરમાયો છે.
ખુદ ભાજપના જ ધારાસભ્યએ હપ્તાખોરીના આરોપ લગાવતા વધુમાં કહ્યું કે, અહીં મારુતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી બનાવવાની રજૂઆત કરી છે. કેમ કે હપ્તાખોરીની ઘટનાઓથી નાક્ષેણ નગર અને ગદા નગરમાં કામદારો ખુબ પરેશાન છે, દેશી દારૂના અડ્ડાના કારણે મહિલાઓ વિધવા બને છે. અહીં દારૂનો સપ્લાય ખુલ્લેઆમ ચાલે છે. આ વિસ્તારોમાં દારૂ અને જુગારનું દૂષણ બંધ કરાવવા સરકારે પગલા ભરવા જોઇએ. તેમને વધુમાં કહ્યું કે, રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી મજબૂત છે, પગલા ભરે છે. ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી છે અને સુરત તેમનું શહેર છે.
સુરતમાં નશો કરેલા ડ્રાઇવરે સીટી બસને પલટી ખવડાવી
સુરતમાં એક ડ્રાઈવરે બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, ખરેખરમાં આ ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાતો સામે આવી છે. માહિતી એવી છે કે, સુરતમાં સુરતના સરોલી ઓલપાડ રૉડ પર એક બસ ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો છે. અહીં સુરતથી ઓલપાડ જતી બસે પલટી ખાધી છે. આ બસ સીટી બસ હતી અને જ્યારે આ બસ નીકળી તે પહેલા તેને ફૉર વ્હીલર અને ટૂ વ્હીલરને ટક્કર મારી હતી, બાદમાં તે ભાગી છૂટવાનો પ્રયાસ કરતો દેખાયો હતો, જોકે, બાદમાં લોકોએ તેનો પીછો કર્યો તો તેની બસ પલટી મારી ગઇ હતી. જ્યારે બસ પલટી મારી ગઇ ત્યારે લોકો આ સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પકડ્યા હતા, અને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવર ખુદ નશાની સ્થિતિમાં હતો અને બસ ચલાવી રહ્યો હતો, જોકે, સદનસીબે જે સમયે બસે પલટી ખાદી તે સમયે બસમાં કોઈ મુસાફર સવાર ન હતો.