સુરતમાં અઢી વર્ષની બાળાના બળાત્કારી હેવાનને ફાંસી, 7 જ દિવસમાં ચાર્જશીટ કરાયેલું દાખલ..
એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.
સુરતઃ સુરતના પાંડેસરા-વડોદ વિસ્તારના શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાઈ છે. દિવાળીની રાત્રે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ આચરીને હત્યા પણ કરનારા કેસમાં મૂળ બિહારના વતની આરોપી ગુડ્ડુ મધેશ યાદવને ફાંસીની સજા ફટકારાતાં ઐતિહાસિક ચુકાદો આવ્યો છે.
સોમવારે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાની કોર્ટે મોડી સાંજે યાદવને તમામ ગુનામાં દોષી જાહેર કર્યો હતો. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ ચુકાદો મંગળવારે મુલત્વી રાખ્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળાને 4 ડિસેમ્બરે દિવાળીની રાત્રે મૂળ બિહારનો આરોપી ગુડ્ડુ મધેશ યાદવ ઉઠાવી ગયો હતો. આ હવસખોર બાળાને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઝાડીમાં લઈ ગયો હતો. તેની સાથે બળાત્કાર કરી માસૂમનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના ફૂટેજ અને ગેટ એનાલીસીસના આધારે પોલીસે આરોપી ગુડ્ડુ યાદવની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી. પોલીસે રેકોર્ડ બ્રેક સાત જ દિવસમાં પોકસો કેસોની ખાસ અદાલતમાં 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલે આ કેસમાં દલીલ કરી હતી કે, ગુનાની ગંભીરતા અને રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં કેસ છે તે જોતાં આરોપીને ફાંસીની સજા કરવી જોઈએ. આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં ગણવો જોઈએ તે માટે સરકારી વકીલે માછી સિંગના કેસમાં ઉલ્લેખ કર્યો હતો.
સરકારપક્ષે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં સજાના આવેલા સુધારા, આ કાયદા પાછળનો હેતુ તથા કાયદાનું અને ન્યાયનું શાસન સમાજમાં જળવાઈ રહે તે ધ્યાને લઈને ફાંસીની સજા કરવી જોઈએ. આરોપીએ માત્ર અઢી વર્ષની બાળકી સાથે આચરેલા દુષ્કર્મ હત્યા જેવા જઘન્ય અપરાધની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીને ફાંસીની સજા આપવા સરકાર પક્ષે માંગ કરી હતી.