Progress: સુરત ડાયમન્ડ બૂર્સની રોનકમાં વધારો, આજુબાજુ 10 હજાર કરોડના પ્રૉજેક્ટની થઇ શરૂઆત, જાણો
બે દિવસ પહેલા સુરતમાં મેગા ઓફિસ બિલ્ડિંગનું પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ છે, આ બિલ્ડિંગને સુરત ડાયમન્ડ બૂર્સ તરીકે ઓળખવામાં આવી રહી છે
Surat Diamond Bourse Progress: બે દિવસ પહેલા સુરતમાં મેગા ઓફિસ બિલ્ડિંગનું પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ છે, આ બિલ્ડિંગને સુરત ડાયમન્ડ બૂર્સ તરીકે ઓળખવામાં આવી રહી છે, આની ખાસિયત એ છે કે આને દુનિયાની સૌથી મોટી બિઝનેસ બિલ્ડિંગ કહેવામાં આવી રહી છે. અહીં સુરત ડાયમંડ બૂર્સમાં રફ અને પૉલિશ્ડ બંને હીરાનો વેપાર થશે. આ અત્યાધુનિક બૂર્સમાં આવી ઘણી સુવિધાઓ હશે, જે હીરા અને ઝવેરાતના વ્યવસાયને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે. પરંતુ આ હવે આ બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તેની આજુબાજુ 10 હજાર કરોડના પ્રૉજેક્ટ્સ આકાર લેવાનું શરૂ કર્યુ છે. આ સાથે જ ડાયમન્ડ બૂર્સની રોનકમાં પણ વધારો થશે.
બે દિવસ પહેલા ઉદઘાટન પામેલી સુરત ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગની હવે ચમક વધશે. અહીં વધુ વિકાસના કામો જોવા મળી શકે છે, અહીં ડુમસથી પલસાણાને જોડતો 35 કિમીનો પથ હજીરા બેલ્ટ પછી શહેરનો સૌથી મોંઘો અને બિઝનેસ બેલ્ટ તરીકે ઉભરી આવશે. આ માર્ગ પર બૂર્સની જેમ પ્રત્યેક 600 મીટરે વિકાસ પ્રૉજેક્ટોની હારૉમાળા સર્જાઇ છે. માત્ર બૂર્સની ફરતે જ 10 હજાર કરોડના ગગનચૂંબી 40થી વધુ પ્રૉજેક્ટે આકાર લેવાનું શરૂ કર્યું છે. જેમાં વેસુમાં 35 ટાવર સાથેનો એક જ પ્રૉજેક્ટ 1200 કરોડના ખર્ચે ખાસ ડાયમન્ડ ક્ષેત્ર માટે બની રહ્યો છે. આસપાસના ત્રીસેક કિમીના પટ્ટામાં પીએમ મિત્રા પાર્ક તથા આઇટી પાર્ક જેવા મેગા આયોજનો પણ થઈ રહ્યા છે. ડુમસ સી-ફેસથી શરૂ થતાં પ્રકલ્પો પર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મેટ્રો, બૂલેટ ટ્રેન, ફ્રેઇટ કૉરિડોર અને એક્સપ્રેસ વેની સાંકળ પણ ટચ થશે. આ તમામ પ્રકલ્પોના કારણે જમીનનો ભાવ 9 વર્ષમાં જ 3 ગણો વધી ગયો છે.
આ ડાયમન્ડ બૂર્સ બિલ્ડિંગની અનેક ખાસિયતો છે, જેમ કે, સુરત ડાયમંડ બૂર્સમાં આયાત-નિકાસ માટે આધુનિક કસ્ટમ ક્લિયરન્સ હાઉસ, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ ફેસિલિટી અને સેફ વૉલ્ટ વગેરે બનાવવામાં આવ્યા છે. સુરત ડાયમંડ બૂર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ઈમારત 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે અને તેના નિર્માણમાં લગભગ 3,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકે છે. આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર છે. જેમાં 300 ચોરસ ફૂટથી લઈને 1 લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસો બનાવવામાં આવી છે. આ ઈમારતને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ મળ્યું છે.