Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
સુરત નગરપાલિકા શિક્ષણ સમિતિના આચાર્ય રજા લઇને દુબઇમાં જલસા કરતો હોવાનો ખુલાસો થયો હતો
સુરત નગરપાલિકા શિક્ષણ સમિતિના આચાર્ય રજા લઇને દુબઇમાં જલસા કરતો હોવાનો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, સરકારી શાળાનો આચાર્ય સંજય પટેલ સરકારનો પગાર મેળવે છે પરંતુ દુબઈમાં વેપાર-ધંધો કરતા હોવાની ચર્ચા છે. તેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક તરીકેનો પગાર ચૂકવી રહી છે પરંતુ સંજય પટેલ રજા લઇને દુબઇમાં બિઝનેસ કરતો હોવાનો ખુલાસો થયો છે. તેણે છેલ્લા કેટલાક સમયમાં 33 વખત દુબઈનો પ્રવાસ કર્યાનો ખુલાસો થયો છે. સ્નેહ રશ્મી શાળાના આચાર્ય સંજય પટેલના અપહરણ બાદ નવો વિવાદ ઉભો થયો છે.
સંજય પટેલ દુબઈમાં લટાર મારતો જોવા મળ્યો હતો. દુબઈની ઓફિસમાં બેઠા બેઠા વેપાર કરી રહ્યો છે. દુબઈમાં વેપાર માટે જરૂરી સંજયના દસ્તાવેજ abp અસ્મિતાને હાથ લાગ્યા છે. દુબઈમાં વેપારના લાયસન્સની નકલ પણ abp અસ્મિતા પાસે છે. સંજય અને તેની પત્નીના નામે દુબઈમાં કારોબાર છે. દુબઈમાં વેપાર કરનાર શિક્ષકને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કેમ પગાર ચૂકવ્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે.
સુરત નગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનો શિક્ષક સંજય પટેલ દુબઈમાં વેપાર કરતો હોવાનો પર્દાફાશ થયો છે. જેનું અપહરણ થયાની અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્નેહ રશ્મી શાળાનો આચાર્ય સંજય પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી રજા લઈને દુબઈમાં વેપાર-ધંધા માટે સ્થાયી થયાની ચર્ચાએ જોર પકડ્યુ છે. છેલ્લા 10 વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આશરે 8 મહિના પહેલાં નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીગ્નેશ બલદાણીયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ હતી. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે. આ દરમિયાન ચંદ્રેશે ઉછીના નાણાંની માગ કરતાં શિક્ષક સંજય પટેલે જીગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે સાડા ત્રણ કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ રૂપિયા મોકલ્યા હતા. ત્યારબાદ જીગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી હતી. આ કારણોસર બંનેએ 19 નવેમ્બરના રોજ શિક્ષક સંજય પટેલને ફોન કરીને અમદાવાદના મણિનગર બોલાવ્યો અને માર મારી ઓફિસમાં ગોંધી રાખ્યો હતો. જોકે, શિક્ષકે ભાગીને કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં અલગ જ ખુલાસો થયો છે.
આચાર્ય સરકારી શાળામાં કામછોડી દુબઈમાં વ્યાપાર કરે છે તેની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટુર નામની રજીસ્ટર્ડ કંપની પણ છે અને કંપનીની પોતાની દુબઈની આઈડી પણ છે. આ સાથે વેપાર હેતુસર આચાર્ય વર્ષ 2023ની 16 જુલાઈથી લઈને 22 જૂન, 2024 દરમિયાન 33 વખત UAEમાં પ્રવાસ કર્યો છે. ખુલાસો એ પણ કે અકસ્માતનું બહાનું કાઢીને સંજય પટેલે 22 નવેમ્બરથી એક મહિના સુધી શાળામાં મેડિકલ લીવ મૂકી છે. નિયમ પ્રમાણે કોઈપણ સરકારી શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
એબીપી અસ્મિતાની ટીમ શિક્ષક સંજય પટેલના ઘરે પહોંચી હતી. શિક્ષક સંજય પટેલ હાલમાં ઘરે હાજર નહોતો. તેની પત્નીએ વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો. આચાર્યની પત્નીએ દાવો કે તેને કોઇ વાતની ખબર નથી.
આ પણ વાંચોઃ