Surat: સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રીને કરવામાં આવ્યા સસ્પેન્ડ, જાણો વિગત
પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય તેમજ તમામ સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.
Latest Surat News: સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મનીષ ઘેવરચંદ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડે સસ્પેન્ડ કર્યા હતા. નર્મદા જિલ્લાના સાગબારામાંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, અરિહંત એગ્રો સેલ્સ દ્વારા ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવતી હતી અને આ એજન્સીના પ્રોપરાઈટર મનીષ શાહ હોવાની ચર્ચા થઈ રહી છે. પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. તાત્કાલિક અસરથી સક્રિય સભ્ય તેમજ તમામ સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.
થોડા દિવસ પહલા સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉનમાં ગંદકી અને ધનેડા સહિતની જીવાતોને કારણે આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જમવાની થાળીમાં પણ જીવતોના આટાફેરથી કંટાળેલા લોકોએ અનાજના ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો અને અનાજના ગોડાઉનને બંધ કરવાની માંગ કરી હતી.
સચિનના સરકારી અનાજનું ગોડાઉનમાં સરકાર દ્વારા આંગણવાડી, સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડવાનો જથ્થો આ ગોડાઉનમાં રાખવામા આવે છે. ત્યારબાદ આ ગોડાઉનમાંથી આખા શહેરમાં વિતરણ કરી આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમ મુજબનો જથ્થો આપવામાં આવે છે. આ સરકારી ગોડાઉનમાં ચોમાસાને કારણે ધનેડા સહિતની જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. સાંજ પડતાં જ આ ગોડાઉનમાંથી જીવાત આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં આવી જાય છે. આખી રાત સ્થાનિકોને હેરાન કરે છે. ખાવાની ચીજવસ્તુમાં પણ જીવાત આવી જાય છે. રોજની આ સમસ્યાથી અકળાયેલા આસપાસની સોસાયટીના લોકોએ હલ્લાબોલ સાથે ગોડાઉન પર રેડ કરી હતી. લોકોએ હલ્લો બોલાવ્યો ત્યારે પણ અનાજમાં જીવાતો સાથે ગંદકી પણ જોવા મળી હતી. રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને વાત અંગેની સમસ્યા બાબતે અરજી પણ કરી હતી. સમસ્યા ધ્યાનમાં આવતા આજ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. જો ત્રણ દિવસમાં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે. સચિનના આ ગોડાઉનના મેનેજર કૌશિક પટેલએ જણાવ્યું હતું કે, સ્થાનિકોએ આ અંગે લેખિત અને મૌખિક ફરિયાદ કરી. અનાજ જાળવણી માટે એજન્સી મારફતે દવા છાંટવામાં આવે છે. આ અંગે ઉપર પણ અમે જાણકારી આપી છે. છેલ્લા બે ત્રણ મહિનાથી જથ્થો વધારે આવ્યો છે. એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ તેના કરતાં થોડુંક ઓછું છે. એક બે મહિનામાં આ અંગે નિવારણ આવી જશે. ચોમાસાની સિઝનમાં મહત્તમ જીવાતોનું પ્રજનન થતું હોય છે. અહીં દવાનો છટકાવ થાય એટલે જીવાત સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતી હોય છે. એટલે દવાઓ નાખવામાં આવી તેના કારણે જીવાત નજીકના વિસ્તારોમાં આવી ગઈ હશે.